ચૂંટણી દરમ્યાન ઉમેદવાર, મતદાર અને કર્મચારીનું હૃદય રોગના હૂમલાથી મોત
જામનગરમાં આપના કેન્ડીડેટ નરેન્દ્રસિંહ, પાટણમાં મતદાર મહિલા અને પેટલાદમાં પ્યુન ફરજ પર જ ઢળી પડયા
અગ્ર ગુજરાત, જામનગર
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણે પણ પોતાનો આકરો મિજાજ બતાવ્યો હતો. કાળઝાળ ગરમીના કારણે રાજયમાં હાર્ટએટેકથી મતદાર, ઉમેદવાર અને કર્મચારીનું મોત થયું હતું. ચાલુ મતદાનમાં ગંભીર ઘટનાઓ બનતા તંત્ર પણ સ્તબ્ધ થઇ ગયું હતું.
જામનગરમાં રાજકીય ક્ષેત્રે દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 3 ના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. 38 વર્ષીય નરેન્દ્રસિંહ જાડેજાને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલમાં સારવાર લીધી હતી, જે બાદ આજે ફરી દુખાવો ઉપડતા તેમનું નિધન થયું છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકીય વર્તુળમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પાટણમાં માયાનગરના કમળાબેન અનિલભાઈ બી એમ હાઈસ્કૂલમાં વોટિંગ કરી બહાર નીકળતા તબિયત લથડતા નીચે પડયા હતા. બાદમાં તેમણે 108માં સારવાર માટે જનતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થયુ હતું.
આણંદના પેટલાદ તાલુકાના સાંસેજ ગામે બૂથ નં-1 પર ફરજ પરના કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. મૃતક અમિતભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી સાંસેજ ગ્રામપંચાયતમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ફરજ પર ઢળી પડતા ગ્રામજનો તાબડતોબ તારાપુર સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ મૃત જાહેર કર્યા હતા.


