ઉનામાં વિશ્વ મેલેરિયા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ
તાલુકા હેલ્થ કચેરી દ્વારા રેલી યોજી લોક જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, ઉના
ઉના તાલુકા હેલ્થ ઓફિસ, દ્વારા વિશ્વ મેલેરિયા દિવસે જિલ્લા કક્ષા નો કાર્યક્રમ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી તાલુકા હેલ્થ ઓફિસથી પ્રસ્થાન કરી નગરપાલિકા જૂની લાઇબ્રેરી, રૂદ્રાક્ષ સિનેમા સામે, ટાવર ચોક, પોસ્ટ ઓફિસ ચોક, મેઈન બજાર, લુહાર ચોક, આનંદ બજાર થઈને પરત તાલુકા હેલ્થ ઓફિસ, ઉના ખાતે સંપન્ન થઈ હતી.
આ રેલીમાં ઉના તાલુકાના તમામ MPHW, MPHS, અર્બન હેલ્થ સેન્ટર-ઉનાનો સ્ટાફ, તાલુકાહેલ્થઓફિસ -ઉનાનો સ્ટાફ તેમજ જિલ્લા આરોગ્ય કચેરી, ગીર સોમનાથનો સ્ટાફ ઉત્સાહભેર જોડાયો હતો. રેલી દરમિયાન મેલેરિયા અને મચ્છરજન્ય રોગો અંગેના બેનર્સ, પોસ્ટર્સ, હેન્ડબિલનું વિતરણ કરવામાં આવ્યું હતું. માઈક સિસ્ટમ દ્વારા સૂત્રોચ્ચાર કરીને નાગરિકોમાં મેલેરિયા રોગ ફેલાવાના કારણો, તેના લક્ષણો, સમય સરની સારવાર અને રોગને અટકાવવાના ઉપાયો અંગે વ્યાપક પ્રચાર-પ્રસાર કરી જનજાગૃતિ કેળવવામાં આવી હતી.
સ્પ્રે ડ્રોન દ્વારા નિદર્શન અને બાઈક રેલી કાઢી તાલુકા હેલ્થ ઓફિસ, ઉનાથી રેલીના સ્વરૂપે વરસીંગપુર રોડ બાયપાસ પાસે આવેલ પાણી ભરાયેલા તળાવ ખાતે પહોંચવામાં આવ્યું. જ્યાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્પ્રે ડ્રોનની મદદથી બેક્ટીસાઈડ દવાનો છંટકાવ પાણી ભરાયેલ તળાવની ફરતે કરવામાં આવ્યો હતો. આ નિદર્શનમાં ઉપરોક્ત તમામ સ્ટાફ સહભાગી થયો હતો. સાથે જ ઉપસ્થિત તમામ કર્મચારીઓને ઓન-જોબ ટ્રેનિંગ અંતર્ગત સ્પ્રે ડ્રોન દ્વારા બી.ટી.આઈ. છંટકાવની પ્રત્યક્ષ તાલીમ પણ આપવામાં આવી હતી.
બાઈક રેલી વરસીંગપુર રોડથી ૮૦ ફૂટ રોડ,બાપાસિતા રામ ચોક, ગીર ગઢડા રોડ થઈને પરત તાલુકા હેલ્થ ઓફિસ, ઉના ખાતે પૂર્ણ કરવામાં આવી.
તાલુકા હેલ્થ ઓફિસ, ઉના ખાતે આયોજિત સત્રમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલભાઈ આર. દુમાતર, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. દિવ્યેશભાઈ ગોસ્વામી, મદદનીશ મેલેરિયા અધિકારી સીમાબેન, મેલેરિયા ટેકનિકલ સુપરવાઈઝર મૌલિકભાઈ પુરોહિત તથા લેબોરેટરી ટેકનિશિયન તાહિરભાઈ શેખ વગેરે અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અધિકારી કર્મચારીઓને વિશ્વ મેલેરિયા દિવસના મહત્વ, “મેલેરિયા મુક્ત ભારત” ના સંકલ્પ અને મચ્છરજન્ય રોગચાળા નિયંત્રણની વ્યૂહરચના અંગે વિસ્તૃત અને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલભાઈ દુમાતરના કુશળ માર્ગદર્શન હેઠળ કર્મચારી વિપુલભાઈ સોલંકી, મેહુલ ભાઈ કાગડા, નિલેશભાઈ વાઢેર, રવિભાઈ ચાંચીયા હરેશભાઈ બાંભણીયાએ ભારે જહેમત ઉઠાવી હતી.
આમ, વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી ઉના ખાતે જનજાગૃતિ, આધુનિક ટેકનોલોજીના નિદર્શન અને કર્મચારી તાલીમના ત્રિવેણી સંગમ સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.


