કાળિયાર, હરણ, નીલગાય અને વરૂની આવતીકાલથી ગણતરી શરૂ
ભાવનગરના વેળાવદર કાળીપાટ રાષ્ટ્રીય ઉદ્યાનમાં બે દિવસ કરાશે કામગીરી
અગ્ર ગુજરાત, અમદાવાદ
વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નીચેના 1 લાખ હેકટરના વિસ્તારમાં આવતીકાલે તા.29મી એપ્રિલથી બે દિવસ વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ કાર્યવાહી થશે. ભાવનગરથી 42 કિ.મી.થી અંતરે ભાલ વિસ્તારમાં આવેલા વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં કાળિયાર હરણ, નીલગાય અને વરૂની ગણતરી કરવામાં આવશે. રાષ્ટ્રીય ઉદ્યાનના 25 બ્લોકની 1 લાખ હેકટર જમીનમાં થનારી વન્યજીવોની ગણતરીની કામગીરીમાં ફોરેસ્ટ સ્ટાફ, એન.જી.ઓ. અને ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિતના સભ્યોની 35 ટીમો જોડાવાની છે.
વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નીચેના વિસ્તારોમાં વિચરતા વન્યજીવોની સંખ્યાનો તાજો આંક મેળવવા દર વર્ષે ઉનાળાની સિઝનમાં ગણતરી અભિયાન હાથ ધરવામાં આવતું હોય છે. આ અભિયાન દરમિયાન મુખ્યત્વે કાળિયાર હરણ (બ્લેકબક) અને નીલગાય (બ્લ્યુ બુલ)ની ગણતરી કરી સંખ્યાનો અંદાજ મેળવવામાં આવશે. વન્યજીવોની ગણતરી પ્રક્રિયામાં વનકર્મીઓ સાથે નિષ્ણાતો, સ્વૈચ્છિક સંસ્થાના સ્વયંસેવકો અને ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાવાના છે. વન્યજીવોની ગણતરીની માહિતીના આધારે વન્યજીવ સંરક્ષણ માટે નવી યોજનાઓનું આયોજન કરવામાં આવશે. ગણતરીના અંતે વન્ય જીવોનો સાચો આંકડો બહાર આવશે.
ઉનાળાની સિઝનમાં દર વર્ષે એપ્રિલ મહિના અંતે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્યજીવ સંરક્ષણના ભાગરૂપે દર વર્ષે વન્યજીવોની ગણતરી કરવામાં આવતી હોય છે. એન.જી.ઓ., યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિતના સભ્યો સાથે વન્યજીવોની 25 ટીમો મારફતે ગણતરી કરાશે ત્યારે ગણતરીના આધારે ભવિષ્યની યોજનાઓનું આયોજન કરવામાં આવશે.


