શાપર-વેરાવળમાં જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો: ધોકા-પાઈપથી હાથ ભાંગી નાખ્યો
બાઈક ચડાવી દેવાના પ્રયાસનો વિરોધ કરતા ઉશ્કેરાયેલી ત્રિપુટીએ ઘરે આવીને કરી તોડફોડ.
અગ્ર ગુજરાત, રાજકોટ
શાપર-વેરાવળમાં યુવાન પર બાઈક ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ યુવાનના ઘરે ધસી આવી મહિલા સહિતની ત્રિપુટીએ ધોકા-પાઈપ વડે હુમલો કરી યુવકનો હાથ ભાંગી નાખ્યો હતો. વધુમાં યુવાનના મોટરસાયકલમાં પણ તોડફોડ કરી હતી. જે મામલે શાપર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે મુળ બગસરાના ખારી ખિજડિયા ગામના વતની અને હાલ શાપરમાં વિરવા રોડ પર શિવમપાર્ક સોસાયટી શેરી નં. 3 બ્લોક નં. 13 માં રહેતા 29 વર્ષીય યુવાન અનિલકુમાર ભુપતભાઈ મકવાણાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે નરેશ અશોક, દિપક અશોક (બન્ને રહે. આનંદ રેસીડેન્સી, લોધીકા) અને સોનલબેન (રહે. શિવમ પાર્ક શાપર-વેરાવળ)નું નામ આપી જણાવ્યું હતું કે, ગઈ કાલે સવારના 09:30 વાગ્યે ઘરેથી દુકાને દુધ લેવા ચાલીને જતો હતો ત્યારે સામેથી નરેશ પોતાનું બાઈક લઈ આવતા હોય તેણે કાવો મારી વાહન ચડાવી દેવાની કોશીષ કરેલ હતી.
જેથીતેને બાઈક સરખુ ચલાવવાનું કહેતા તેણે કહેલ કે, તારા બાપનો રોડ નથી જેથી તેને આમ બોલવાની ના પાડતા તેણે કહેલ કે, તુ શિવમ પાર્ક બહાર આવતો રહે, ત્યાં બધુ પતાવી દેશું કહી તે જતો રહેલ હતો. થોડીવાર બાદ નરેશ, દિપક અને સોનલબેન ધોકા સાથે ઘર પાસે ધસી આવેલ હતાં. કે આ અનિલનું મકાન છે, આ બાઈક પણ અનિલનું છે કહી ને ઘર બહાર પાર્ક કરેલ બાઈકમાં ધોકા વડે ઘા ઝીંકી તોડફોડ કરી હતી. બાદ યુવક ઘર બહાર નિકળતા બન્ને ગાળો આપવા લાગેલ અને નરેશએ ધોકા વડે કાનની પાછળના ભાગે ઘા ઝીંકી દેતા નિચે પડી ગયેલ હતો.


