આવતીકાલે ગોંડલ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના સ્થાપક આચાર્ય ભગવંત પૂ.ડુંગરસિંહજી સ્વામીની 206મી પૂણ્ય તિથિ
ભારતભરમાં 250 થી વધારે પૂ.સાધુ – સાધ્વીજીઓ બીરાજે છે ત્યાં ઉપકારી આત્માના ગુણોના સ્મરણ સાથે સમગ્ર દેશ – વિદેશના ભાવિકો પુણ્યતિથિ તપ – ત્યાગ પૂર્વક ઉજવશે
અગ્ર ગુજરાત, રાજકોટ
જૈન દર્શનમાં સમયક્ જ્ઞાનની વાત હોય કે શ્રદ્ધાની,ચારિત્રની વાત હોય કે તપની દરેક બાબતોમાં ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના ઉપકારી પૂ.સાધુ – સાધ્વીજીઓનું નામ સૌ ધમૅ પ્રેમીઓના મુખપર પ્રથમ આવે.સમગ્ર ભારતભરમાં કાલાવડ હોય કે કોલકત્તા,ગોંડલ હોય કે ગાંધીનગર,જેતપુર હોય કે જમશેદપુર દરેક ક્ષેત્રોમાં ગોંડલ સંપ્રદાયના પૂ.સાધુ – સાધ્વીજીઓ પગપાળા વિહાર કરી તિન્નાણં – તારયાણં,સ્વ – પરના કલ્યાણાર્થે જિનાજ્ઞા મુજબ વિચરતા – ધર્મ લાભ આપતા દ્રશ્યમાન થાય છે.ગોંડલ સંપ્રદાય વટ વૃક્ષ બન્યો છે.
મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે ગોંડલ સંપ્રદાયના સાધુ – સાધ્વીજીઓ ગોંડલથી લઈને ગાંધીનગર અરે ! છેક વાઘા બોર્ડર સુધી જૈન ધર્મનો જય જયકાર કર્યો છે તેના બીજ જેઓએ રોપ્યા છે તે મહા પુરુષ એટલે પૂ.ડુંગરસિંહજી મ.સા.આગામી વૈશાખ સુદ પૂનમના રોજ તેઓની 206 મી પૂણ્ય તિથી સમગ્ર દેશમાં તપ – ત્યાગ સાથે ઉજવાશે.
વિ.સં.1792 માં માંગરોળની પાવન ભૂમિ ઉપર સંસ્કાર સંપન્ના રત્નકુક્ષિણી માતા હીરબાઈ તથા ધર્મ નિષ્ઠ પ્રેમાળ પિતા કમળસિંહભાઈ બદાણી પરીવારના ખાનદાન ખોરડે કોહીનૂર અને કમળ જેવા એક ભૂલકાનું અવતરણ થયું. માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત સાથે કેસરી સિંહને નજદીક આવતા નિહાળેલ તેથી જન્મ થનાર બાલૂડાનું નામ ” ડુંગરસિંહ ” રાખ્યું. ચાર – ચાર બહેન અને બે ભાઈઓ સહિતના વિશાળ પરીવારમા આ બાળકનો લાડકોડથી ઉછેર થયો.
બદાણી પરીવાર એટલે પૂ.સાધુ – સંતોની સેવા – વૈયાવચ્ચ અને સદા ચતુર્વિધ સંઘની ખેવના કરનારો પરીવાર.નિત્ય જિનવાણીનું શ્રવણ કરનારો આ બદાણી પરીવાર.એક વખત પરીવાર સાથે યુવાન ડુંગરસિંહ પણ ગયાં. જિન શાસનના અણમોલ રત્ન સમાન પૂ.ગુરુદેવ રત્નચંદ્ગજી મ.સાહેબ ” માનવ ભવની પ્રત્યેક ક્ષણ અમૂલ્ય છે,સંસારમાં રહીને દૂલૅભ ભવને વેડફશો નહીં.” વૈરાગ્ય સભર પ્રવચન સાંભળી આ યુવાનમાં ટર્નીગ પોંઈટ આવ્યો.મનોમન નક્કી કર્યું કે બસ…હવે આ સંસારમાં રહેવું જ નથી.માવિત્રો તેમજ પરીવારની સવિનય અનુજ્ઞા પ્રાપ્ત કરી વિ.સં.1815 કારતક વદ 10 ના દિવ બંદરની દિવ્ય ભૂમિ ઉપર પૂ.રત્નચંદ્ગજી મ.સાહેબ પાસે ભર યુવાન વયે સંયમ ધર્મનો સ્વીકાર કરી બીજો મનોરથ પૂર્ણ કર્યો.ડુંગરસિંહમાથી નૂતન દીક્ષિત પૂ.ડુંગરસિંહજી મ.સા.ઘોષિત થયા. પૂ.ડુંગરસિંહજી મ.સા.ના પગલે – પગલે તેઓના માતુશ્રી હીરબાઈ,બહેન વેલબાઈ,ભાણેજ હીરાચંદભાઈ,ભાણેજી માનકુંવરબહેને જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી ગોંડલ સંપ્રદાય એવમ્ જિન શાસનમાં ડંકો વગાડી દિધો અને પૂ.ડુંગરસિંહજી મ.સાહેબે તિન્નાણં – તારયાણં અથૉત્ પોતે સંસાર સાગરમાથી તર્યા અને અન્યોને પણ તાર્યા સૂત્રને તેઓએ ચરિતાર્થ કર્યું.
આચાર્ય ભગવંત પૂ.ડુંગરસિંહજી મ.સા.ની 206 મી પૂણ્ય તિથી ગોંડલ સહિત ભારતભરમાં તપ – ત્યાગ પૂર્વક અનંત ઉપકારી આચાર્ય ભગવંતના ગુણોના સ્મરણ સાથે ઉજવવામાં આવશે.


