રાજકોટના મોવૈયા ગામે BAPS મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
BAPSના વરિષ્ઠ સંત પૂજ્ય અક્ષરચરણ સ્વામીએ પ્રતિષ્ઠા કરી આશીર્વચન આપ્યા : સમારોહમાં ભકતો ઉમટી પડયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા નજીક આવેલ મોવૈયા ગામે BAPS સ્વામિનારાયણ હરિમંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય અને દિવ્ય વાતાવરણમાં સંપન્ન થયો. આ મહોત્સવમાં BAPS સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય અક્ષરચરણ સ્વામી, રાજકોટ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી સહિત અનેક પૂજનીય સંતો ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વશાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામજનો અને હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. એ જ દિવસે સાંજે મોવૈયા તથા પડધરીના મુખ્ય માર્ગો પર ઠાકોરજીની મૂર્તિઓ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં આકર્ષક પ્રસ્તુતિઓ, ભક્તિપૂર્ણ માહોલ અને ગ્રામજનોના ઉત્સાહે સમગ્ર વિસ્તારને આધ્યાત્મિક રંગે રંગી દીધો હતો. રાત્રે પૂજ્ય અમૃતકીર્તન સ્વામી અને સંગીતવૃંદ દ્વારા કીર્તન ભક્તિનો સુંદર કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત ગ્રામજનો અને હરિભક્તોએ ભક્તિરસનો લાભ પ્રાપ્ત કર્યો હતો.
તા.૨૯ એપ્રિલના રોજ સવારે વરિષ્ઠ સંતોના હસ્તે, પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી પ્રતિષ્ઠિત થયેલ મૂર્તિઓની વિધિવત્ સ્થાપના અને પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે અનેક રાજકીય અગ્રેસરો, મહાનુભાવો, ગ્રામજનો અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રતિષ્ઠા પ્રસંગે પૂજ્ય સંતોના પ્રેરણાદાયી પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સર્વે ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, ગ્રામ્ય વિચરણ કરનાર પૂજ્ય અમૃતકીર્તન સ્વામી, પૂજ્ય સેવાશીલ સ્વામી તથા અનેક સંતો, કાર્યકરો અને હરિભક્તોના સેવા, ભક્તિ અને સમર્પણથી આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો.
મોવૈયા ગામના સર્વે ગ્રામજનોએ ઠાકોરજીના દર્શન, સંતોના આશીર્વાદ અને મહાપ્રસાદનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સમગ્ર ગામમાં આધ્યાત્મિક આનંદ અને ભક્તિભાવનું પવિત્ર વાતાવરણ સર્જાયું હતું.
અહીં ફક્ત મંદિર જ નહી પરંતુ નૂતન સમાજનું નિર્માણ થયું છે જ્યાં કેવળ પ્રેમ છે, સેવાભાવના છે, આત્મીયતા છે, સંપ સુહદભાવ છે, ભક્તિની સુવાસ છે. ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા સંસ્કારધામો દ્વારા થનાર અનેક સમાજ ઉપયોગી કાર્યોમાં યશભાગી બનવા માટે રાજકોટ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી અને પૂજ્ય અમૃતકીર્તન સ્વામી દ્વારા સર્વે ગ્રામજનોને પહેલ કરવામાં આવી છે.


