માત્ર જીત નહીં, શહેર માટેની દ્રષ્ટી પર આધારિત રહેશે પસંદગી
રાજકોટ મનપામાં પાવર પોઝિશન માટે દોડધામ: વિઝન ટેસ્ટથી થશે પસંદગી
મેયર, સ્ટે.ચેરમેન, ડે.મેયર પદ માટે અંદરખાને ગરમાવો: ગાંધીનગરથી આવેલા નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા
વિજેતા ઉમેદવારો પાસે વિકાસના વિઝનનો ડ્રાફ્ટ માગ્યાની ચર્ચા
જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને છેલ્લી ઘડીએ ટિકિટ લાવેલા અર્જુનભાઈ ખાટરીયા પ્રબળ દાવેદારોની યાદીમાં મોખરે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો ફરી લહેરાયો છે. તમામ સંસ્થામાં પદાધિકારીઓની વરણી કરવામાં આવશે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં પાવર પોઝીશન માટે દોડધામ શરૂ થઇ ગઇ છે. નિરીક્ષકો દ્વારા દાવેદારો પાસેથી વિકાસનું વિઝન મેળવવામાં આવ્યું છે અને આ ટેસ્ટ દ્વારા સત્તાધીશોની પસંદગી કરવામાં આવશે. ગાંધીનગરથી આવેલા ત્રણ નિરીક્ષકો દ્વારા હાલ સેન્સ લેવામાં આવી હતી.
રાજકોટ મહાનગર પાલિકાના મેયર પદ પર સામાન્ય અનામત કારણે બ્રાહ્મણ અથવા પાટીદાર સમાજને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહ છે માટે OBC સમાજના ચૂંટાયેલા નગરસેવકો દ્વારા ડેપ્યુટી મેયર પદ માટે સેન્સ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ માટે OBC પુરુષ અનામત હોવાથી ત્યાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન ખાટરીયાનું નામ મોખરે ચાલી રહ્યું છે.
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે પદાધિકારીઓ માટેની સેન્સ પ્રક્રિયા રાજકોટ શહેર કમલમ કાર્યાલય ખાતે ચાલી રહી છે. પ્રદેશના નિરીક્ષકો નટુજી ઠાકોર, સીતાબેન પટેલ અને નિલેશભાઈ ઓડેદરા રાજકોટ આવી ચૂંટાયેલા નગરસેવકો તેમજ તેમના વોર્ડ પ્રમુખ અને મહામંત્રીને સાંભળી તેમની સેન્સ સ્વીકારી રહ્યા છે જે પ્રક્રિયા આજે દિવસ દરમિયાન ચાલશે અને તમામ 18 વોર્ડની સેન્સ પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા તમામનો બાયોડેટા પ્રદેશ મવડી મંડળ સમક્ષ રજૂ કરશે અને આગામી સપ્તાહ દરમિયાન પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવશે.
રાજકોટ મહાનગર પાલિકાના હોદેદારો માટે બ્રાહ્મણ સમાજમાંથી પરેશ ઠાકર, નેહલ શુકલા, મનીષ ભટ્ટનું નામ મોખરે છે જયારે પાટીદાર સમાજમાંથી દિલીપ લુણાગરિયા, પરેશ પીપળીયા, કેતન પટેલનું નામ મોખરે ચાલી રહ્યું છે. OBC સમાજમાંથી ઘનશ્યામ હેરભા, જાનકીબેન કાટોડિયા, પ્રદિપ ડવ, નિલેશ હેરભા અને કાળું કુગશીયાનું નામ મોખરે ચાલી રહ્યું છે. આ ઉપરાંત લોહાણા સમાજની નારાજગીને ધ્યાનમાં રાખી લોહાણા સમાજના મહિલા કોર્પોરેટર વર્ષાબેન પાંધી, નીતાબેન લાલ અને દક્ષાબેન વસાણીને કોઈ એક પદમાં સમાવિષ્ટ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
બીજી તરફ આજે અને આવતીકાલ એમ બે દિવસ રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા ચાલવાની છે. જેમાં રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાના પદાધિકારીઓ માટે સેન્સ લેવામાં આવી રહી છે. પ્રદેશના નિરીક્ષક રાકેશ શાહ, કૌશલ્યકુંવરબા અને રાજેન્દ્ર પટેલ દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ માટે આ વખતે OBC પુરુષ અનામત હોવાથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન ખાટરીયાનું નામ મોખરે ચાલી રહ્યું છે. જેઓ છેલ્લી 5 ટર્મથી સતત કોટડાસાંગાણી બેઠક પરથી ચૂંટાઈ આવે છે અને વિપક્ષનેતા પણ રહી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પાર્ટીએ મેન્ડેટમાં બદલાવ કરી છેલ્લી ઘડીએ તેમને મેન્ડેટ આપ્યું હતું.
રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, ભાજપના ઇતિહાસમાં પ્રથમ વખત 36માંથી 34 જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની તમામ 44 બેઠક પર જીત મેળવી છે ત્યારે પ્રદેશમાંથી નિયુક્ત કરવામાં આવેલા નિરીક્ષકો ઉમેદવારોની સેન્સ લેવા માટે આવ્યા છે. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, શાસક પક્ષના નેતા અને દંડકની નિમણૂક માટે આ સેન્સ લેવામાં આવી રહી છે.


