ખર્ચમાં વધારો થતા લોકાપર્ણની પ્રક્રિયામાં થશે વિલંબ
રાજકોટ લાયન સફારી પાર્કની મજા વેકેશનમાં અધૂરી રહેશે
૧૦,૦૦૦ ચો.મી.ની જગ્યા વધતા રૂ.૭ કરોડના વધારાના ખર્ચની દરખાસ્ત, પ્રોજેકટ જૂનના બદલે હવે જુલાઇના અંતમાં પૂર્ણ થવાની સંભાવના : સાત ફેઝમાં ચાલતી કામગીરી ૮૦ ટકા પૂર્ણ : રાજકોટવાસીઓને ઘર આંગણે જ મળશે સિંહ દર્શનનો લ્હાવો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટવાસીઓને ઘર આંગણે જ સિંહ દર્શનનો લ્હાવો મળી રહે તે માટે લાયન સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે જૂન માસમાં કામગીરી પૂર્ણ કરી લોકો માટે વેકેશનમાં જ ખૂલ્લો મૂકવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું. પરંતુ ૧૦,૦૦૦ ચોરસ મીટર ક્ષેત્રફળનો વધારો થતા રૂ.૭ કરોડના વધારાના ખર્ચની મંજૂરી માંગવામાં આવતા આ પ્રોજેકટ હવે જુલાઇમાં પૂર્ણ થશે. વેકેશનમાં લાયન સફારી પાર્કની મજા શહેરીજનો માણી શકશે નહી.
રાજકોટના શહેરીજનોને હરવા-ફરવાનું નવું સ્થળ મળે તે માટે મહાનગરપાલિકા દ્વારા ઈસ્ટ ઝોનમાં ઝૂની બાજુની જગ્યા પર એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવાનો નિર્ણય લેવાયો હતો. સરકારની મંજૂરી બાદ પાર્કનું કામ પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું હતું. રૂ.44 કરોડના ખર્ચે 29 હેક્ટર જગ્યા પર આકાર પામી રહેલા પાર્કની 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
તંત્રએ અગાઉ જૂન મહિનામાં લોકાર્પણની જાહેરાત કરી હતી, પરંતુ હવે ક્ષેત્રફળ અને ખર્ચ વધતા વેકેશન દરમિયાન સિંહ જોવાનો લ્હાવો મળી શકશે નહીં. લાયન સફારી પાર્કનું કામ સાત ફેઝમાં વહેંચાયેલું છે.
જે પૈકી કમ્પાઉન્ડ વોલ, ફેન્સિંગ, મેઈન ગેટ, ઈલેક્ટ્રિક વાહન માટે ટુ-વે એન્ટ્રી-એક્ઝિટ, મોટા રસ્તાઓ, તળાવ, ચેકડેમ અને આયુર્વેદિક ગાર્ડન સહિતના કામો પૂર્ણતાના આરે છે. બાકીના બે ફેઝનું કામ પણ ઝડપથી પૂરું થઈ જશે, પરંતુ વધારાના કામોને કારણે મુદત જુલાઈ સુધી લંબાવવામાં આવી છે.
કેન્દ્ર સરકારની ઝૂ ઓથોરિટીની મંજૂરી બાદ નિર્ધારિત જૂન-2026ની સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય હતું. હાલ ચેઈનલિંક ફેન્સિંગ, ઈન્સ્પેક્શન પાથ, ઈન્ટરનલ રોડ અને ટુ-વે ગેટનું કામ પૂર્ણ થઈ ગયું છે.
પ્રાણીઓ માટે નાઈટ શેલ્ટર અને GSR સહિતની કામગીરી પણ અંતિમ તબક્કામાં છે. હવે એન્ટ્રન્સ પ્લાઝા જેવી વધુ સુવિધાઓ ઉમેરાતા એક માસનો સમય વધારાયો છે. સહેલાણીઓ માટે ઈન્ટર-કનેક્ટેડ રોડ, વિશાળ પાર્કિંગ, રેસ્ટિંગ શેડ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ ઊભી કરાઈ છે. સાસણ જેવો જ અનુભવ રાજકોટમાં મળે તે માટે મનપા સજ્જ છે.
સાસણગીરનો ધક્કો નહી થાય
રાજકોટ સફારી પાર્ક એવા પ્રવાસીઓ માટે એક વિકલ્પ પૂરો પાડશે તેવી અપેક્ષા છે જેઓ ઉનાળા, દિવાળી અને નાતાલની રજાઓ જેવા પીક સમયગાળા દરમિયાન સાસણ ગીર માટે પરમિટ મેળવવામાં અસમર્થ હોય છે. મુલાકાતીઓ પહેલા રાજકોટ સફારીની મુલાકાત લેવાનું પસંદ કરી શકે છે અને પછી જૂનાગઢ અને ગીર સોમનાથની મુસાફરી કરી શકે છે, જે વ્યાપક ગીર પર્યટન સર્કિટનો ભાગ છે.


