બિહારમાં હત્યાના પ્રયાસના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી મેટોડાથી પકડાયો
ભોજપુર જિલ્લાના આરા ટાઉનના આરોપીને રાજકોટ રેન્જની ટીમે દબોચ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
બિહાર રાજ્યના ગંભીર ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ત્રણ વર્ષથી ફરાર ચાલી રહેલો આરોપી રાજકોટમાંથી ઝડપાતા પોલીસની કાર્યક્ષમતા ફરી એકવાર સામે આવી છે. રાજકોટ રેન્જ પોલીસની ટીમે મેટોડા GIDC વિસ્તારમાંથી આ આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, બિહારના ભોજપુર જિલ્લામાં આવેલા આરા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસ અને મારામારીના ગુનામાં સંડોવાયેલ વિશાલ બિન્દ ઉર્ફે મુન્ના મિસ્ત્રી બિન્દ લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. ઘટનાને લગભગ ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં આરોપી પકડથી દૂર રહ્યો હતો.
રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય દ્વારા આવા ફરાર આરોપીઓને શોધી પકડી પાડવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના અનુસંધાનમાં રાજકોટ રેન્જની ટીમે જુદા જુદા વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી.
આ કામગીરી દરમિયાન પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા સહિતની ટીમ સક્રિય બની હતી. તપાસ દરમ્યાન પોલીસને બાતમી મળી કે બિહારનો ફરાર આરોપી રાજકોટમાં છુપાયો છે અને મેટોડા GIDC વિસ્તારમાં અવરજવર કરી રહ્યો છે.
ચોક્કસ માહિતીના આધારે પોલીસે મેટોડા GIDCના ગેટ નંબર 2 નજીક વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતા શંકાસ્પદ વ્યક્તિની ઓળખ ખાતરી કર્યા બાદ તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેની ઓળખ વિશાલ બિન્દ તરીકે થઈ હતી, જે બિહારના ભોજપુર જિલ્લાના આરા ટાઉન વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. પકડાયેલા આરોપીને મેટોડા GIDC પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. સાથે જ બિહારની આરા ટાઉન પોલીસને પણ તેની ધરપકડ અંગે જાણ કરવામાં આવી છે, જેથી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ શકે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જગ્યાએ રહેતો હતો અને ઓળખ છુપાવી રહ્યો હતો. જોકે રાજકોટ રેન્જની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય બાતમીના આધારે આખરે તેને પકડી પાડવામાં સફળતા મેળવી છે.


