માંગરોળ દિવાસા પાસે ટ્રક ચાલકે રીક્ષાને હડફેટે લેતા ચાલકનું મોત
રીક્ષા ચાલક ભંગારનો ધંધો કરી પરીવારનું ગુજરાન ચલાવતો હતો : પરિવારમાં શોક
અગ્ર ગુજરાત, માંગરોળ
માંગરોળનાં પોરબંદર રોડ ટ્રક અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત થતા માંગરોળના મુસ્લિમ આધેડનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.
આ બનાવની જાણવા મળતી વિગતો એવી છે કે, માંગરોળના જગાવવા વિસ્તારમાં રહેતા હનીફ અબ્દુલ્લાહ કોતલ ઉ. વ. 55 છકડો રીક્ષામા ભંગારની ફેરી કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હોય આજે રાબેતા મુજબ પોરબંદર રોડ પર ભંગાર લેવા ગયા હતા, ભંગાર લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે દિવાસા ગામ નજીક પૂરપાટ ઝડપે આવતા પથ્થર ભરેલો ટ્રકે હડફેટે લેતા હનીફભાઈ નું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. રીક્ષાનો પણ કૂરચલો વળી ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક અસરથી માંગરોળ સરકારી હોસ્પિટલ માં પહોંચડયા હતા પરંતુ ઉપસ્થિત તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હનીફ ત્રણ બાળકો ના પરીવાર સાથે મજૂરી અને ભંગારનો ધંધો કરી પેટયુ રડતા હતા. પરંતુ કાળ મુખી ટ્રક નો શિકાર બની જતા ગરીબ પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.
માંગરોળ નો પોરબંદર રોડ લોહીયાળ બન્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં અવિરતપણે ત્રણ અકસ્માતમાં ચાર જીવ ગયા છે. બે દિવસ અગાઉ જ બસ પલટી મારી જતા બે ના મોત નિપજ્યાં હતા જ્યારે 27 જેટલા લોકો ઘવાયા હતા. એ પહેલા પણ વાહનની હડફેટે દિપડાનું મોત નિપજ્યું હતુ. પૂરપાટ અને બેફામ રીતે દોડતા વાહનો અનેક લોકોનો જીવ લઈ રહ્યા છે. આ બાબતે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.


