ગીર સોમનાથનું વિજ્ઞાન પ્રવાહનું 84.75 %, સામાન્ય પ્રવાહનું 93.57 % ઝળહળતું પરીણામ
જીલ્લામાં વિ.પ્ર.માં ઘુસિયા ગીરનું ઉત્કૃષ્ટ 98.42 % પરીણામ તો સા.પ્ર.માં પ્રશ્નાવડાનું 100% પરિણામ જ્યારે વેરાવળની દર્શન સ્કૂલે આલખ્યો રેકોર્ડ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગઇકાલે જાહેર થયેલ ધોરણ 12 બોર્ડના જાહેર પરિણામોમાં ગીર સોમનાથ જીલ્લાનું ઝળહળતું પરીણામ આવ્યુ છે. વિજ્ઞાન અને સામાન્ય બંન્ને પ્રવાહમાં વિદ્યાર્થીઓએ નોંધપાત્ર પ્રદર્શન કરતાં જિલ્લાનું નામ ગૌરવભેર ઊંચું રાખ્યું છે. અનેક કેન્દ્રોએ 90%થી વધુ પરિણામ નોંધાવતાં શિક્ષણની ગુણવત્તાનો પરિચય આપ્યો છે.
જીલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું 84.75% પરિણામ નોંધાયું છે. જેમાં કેન્દ્રવાર ઘુસિયા ગીર કેન્દ્રનું 98.42% સાથે સર્વોચ્ચ સ્થાન છે. જ્યારે વેરાવળ કેન્દ્રનું 79.25%, કોડીનારનું 77.18% અને ઉના કેન્દ્રનું 78.97% પરિણામ રહ્યું છે. કેટલાક કેન્દ્રોમાં પરિણામમાં થોડી ઘટ જોવા મળતાં શિક્ષણ તંત્ર માટે વિચારવાનું કારણ બન્યું છે. તો સામાન્ય પ્રવાહમાં જિલ્લાનું 93.57% પરિણામ નોંધાયું છે. જે રાજ્યના સરેરાશથી પણ ઉત્તમ છે. કુલ 14 કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવેલ જેમાં પ્રશ્નાવડા કેન્દ્રએ 100% પરિણામ સાથે સિદ્ધિ હાંસલ કરી છે. તો ખંઢેરી (98.06%), સુપાસી (97.67%), તાલાલા ગીર (97.61%), ગુંદરણ (97.78%) જેવા કેન્દ્રોએ પણ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. વેરાવળ કેન્દ્રનું 90.85%, ઉના 93.95%, સુત્રાપાડા 95.91% અને સીમર 94.34% પરિણામ નોંધાયું છે. જ્યારે વેડવા કેન્દ્રનું 80.43% અને સિંધાજનું 87.66% પરિણામ તુલનાત્મક રીતે ઓછું રહ્યું છે.
વેરાવળ શહેરની પ્રતિષ્ઠિત દર્શન ઉચ્ચતર માધ્યમિક શાળાએ આ વર્ષે પણ પોતાની પરંપરા જાળવી રાખી છે. શાળાનું કુલ પરિણામ 99.04% નોંધાયું છે, જે જિલ્લામાં અને રાજ્યમાં પણ વિશેષ નોંધપાત્ર છે. શાળાના તેજસ્વી વિદ્યાર્થી પંપાણીયા ગ્રીષ્મા દેવયતભાઈએ 99.98 PR સાથે ગુજરાતમાં દ્વિતીય સ્થાન અને વેરાવળમાં પ્રથમ સ્થાન હાંસલ કરી ઇતિહાસ રચ્યો છે. તેને આંકડાશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થામાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે. ગ્રીષ્મા પંપાણીયાના પિતા આજેઠા ગામે રહે અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમની ત્રણ દીકરીઓમાં સૌથી મોટી દીકરી ગ્રીષ્મા છે તેણીએ આગળ GPSC ની પરીક્ષા આપી ઉચ્ચ સરકારી અધિકારી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઉપરાંત તન્ના ઇતિષા (99.45 PR), ઝુલા સ્તુતિબા પી. (99.36 PR), બારડ હેમાંગી ડી. (99.23 PR) અને જોષી પ્રિત એ. (99.23 PR) સહિતના વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ સાથે ટોચના ક્રમમાં સ્થાન મેળવ્યું છે. અનેક વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં સેન્ટમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.
દર્શન સ્કૂલ સંચાલક વિઠલાણી સરના માર્ગદર્શન હેઠળ અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સર્વાંગી વિકાસ તરફ દોરી જવામાં આવે છે. પરિણામે અહીંના વિદ્યાર્થીઓ આગળ જઈ CA, CS અને મેનેજમેન્ટ ક્ષેત્રે ઊંચા હોદ્દા પ્રાપ્ત કરી રહ્યા છે. જીલ્લામાં ખુશીની લહેર આ વર્ષે ગીર સોમનાથ જિલ્લાના બોર્ડ પરિણામોએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ખુશીની લહેર ફેલાવી છે. ઉત્તમ પરિણામો શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક દિશામાં આગળ વધવાના સંકેત આપી રહ્યા છે, જ્યારે કેટલાક કેન્દ્રોમાં સુધારાની જરૂરિયાત પણ સ્પષ્ટ બની છે.


