રાજકોટમાં નારી અસુરક્ષાનો કાળો ચહેરો : રસ્તા વચ્ચે આંગણવાડી કર્મી સાથે છેડતી
થોરાળા વિસ્તારમાં બેફામ તત્વોએ જાહેરમાં સાડી ખેંચી ; અગાઉની અરજીનો બદલો લેવાનો આક્ષેપ, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં નારી સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે એવો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. થોરાળા વિસ્તારમાં એક આંગણવાડી કર્મી સાથે જાહેર રસ્તા પર છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રસ્તા વચ્ચે સાડી ખેંચી અપમાનિત કરવાની આ ઘટનાએ સ્થાનિકોમાં રોષ ફેલાવ્યો છે.
મળતી માહિતી મુજબ, થોરાળા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પરિણીતા, જે આંગણવાડીમાં કર્મી તરીકે ફરજ બજાવે છે, તે સાંજે એકટીવા પર પોતાના ઘરેથી બહાર નીકળી હતી. વિજયનગર વિસ્તારમાં આવેલ ફ્લોર મિલ ખાતે ઘરકામ માટે જતી વખતે શેરીના ખૂણાએ ઉભેલા ત્રણ યુવકો સાથે તેનો સામનો થયો હતો.
ફરિયાદ અનુસાર, એકટીવાનું હોર્ન મારતા ત્યાં ઉભેલા મયુર ખીમસુરીયા, જયદીપ ખીમસુરીયા અને જયુ ચાવડા ઉશ્કેરાઈ ગયા હતા. મુખ્ય આરોપી મયુરે મહિલાને સંબોધીને કહ્યું હતું કે, “તમે અમારાં વિરુદ્ધ પોલીસમાં અરજી કરી છે, પણ અમારું કંઈ બગાડી નહીં શકો,” તેમ કહી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. તેની સાથે રહેલા અન્ય બે યુવકો પણ ગાળો બોલવામાં જોડાયા હતા. પરિસ્થિતિ ઝડપથી બગડતા મયુર ખીમસુરીયાએ મહિલાની સાડી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે મહિલાએ ઊંચા અવાજે બૂમાબૂમ કરી હતી. આ સમયે મહિલા સંપૂર્ણપણે નિઃસહાય બની ગઈ હતી. જાહેરમાં આ પ્રકારની હરકત થતા આસપાસના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.
મહિલાના રાડા સાંભળીને પરિવારજનો અને નજીકના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકો ભેગા થતા ત્રણેય આરોપી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બનાવ બાદ મહિલાએ તાત્કાલિક 112 હેલ્પલાઇન પર કોલ કર્યો હતો, જેના પગલે પોલીસ સ્થળ પર પહોંચી હતી.
પછી મહિલાને પોલીસ સ્ટેશન લઈ જઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. થોરાળા પોલીસે મયુર ખીમસુરીયા, જયદીપ ખીમસુરીયા અને જયુ ચાવડા સામે બીએનએસ કલમ 76 અને 352 સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મહિલાએ થોડા દિવસ પહેલા આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી, જેના કારણે બદલો લેવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે જ મહિલાઓની સુરક્ષા માટે વધુ સઘન પગલાં લેવાની જરૂરિયાત પણ અનુભવી રહી છે.


