વડાપ્રધાનના પ્રવાસ બાદ રાજકોટ મનપાને મળશે નવા સુકાની
સૌરાષ્ટ્ર અને વડોદરાની સ્થાનિક સ્વરાજયની સંસ્થા માટેના સત્તાધીશોની પસંદગીની પ્રક્રિયા હાલ મોકુફ : તા.૧૧મી બાદ દાવેદારો અંગે મંથન હાથ ધરાશે : દાવેદારોને મળશે લોબિંગનો વધુ સમય
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ સત્તાધીશોની નિમણુંક માટે ભાજપની પસંદગી સમિતિની બેઠકનો દોર શરૂ થયો છે. પરંતુ વડાપ્રધાન વડોદરા અને સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા હોય તે અંતર્ગત રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને વડોદરામાં તા.૧૧મી બાદ નવા સુકાનીઓ મળશે. હાલ આ પ્રક્રિયા મોકુફ રાખવામાં આવી હોવાની ચર્ચા થઇ રહી છે.
મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જે આગામી 8 મે સુધી ચાલવાની છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ વિવિધ જિલ્લાઓમાં ચૂંટાયેલી પાંખના વડાની પસંદગી માટે મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે શરૂ થયેલી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકના શિડ્યુલમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 11 મેના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને પક્ષે આ નિર્ણય લીધો છે, જેના કારણે હવે અન્ય જિલ્લાઓ માટેની ચર્ચા આગળ ધપાવવામાં આવી છે.
માહિતી મુજબ, ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર અને વડોદરા જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ માટેની પસંદગી પ્રક્રિયા હાલ મોકૂફ રાખવામાં આવી છે. આ વિસ્તારોના દાવેદારો અંગેનું મંથન હવે 11 મે બાદ હાથ ધરાશે. વડાપ્રધાનના પ્રવાસને કારણે સંગઠનના અગ્રણીઓ અને હોદ્દેદારો કાર્યક્રમોની તૈયારીમાં વ્યસ્ત હોવાથી આ નિર્ણય લેવાયો છે.
જોકે, પક્ષ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે બાકીના જિલ્લાઓ માટેની પ્રક્રિયા યથાવત રહેશે અને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો અગાઉ નક્કી કરેલા કાર્યક્રમ મુજબ જ ચાલુ રહેશે. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં ચાલી રહેલી આ બેઠકોમાં અલગ-અલગ જિલ્લાઓ માટે પદાધિકારીઓના નામો ફાઈનલ કરવાની પ્રક્રિયા તેજ ગતિએ આગળ વધી રહી છે. આ બદલાવને કારણે સૌરાષ્ટ્ર અને વડોદરા વિસ્તારમાં રાજકીય ગરમાવો વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે હવે દાવેદારોને વધુ સમય મળતા લોબીંગ અને દાવપેચ પણ વધશે.
ભાજપના જિલ્લા અને શહેર પ્રમુખોને પાર્લામેન્ટ્રીમાં હાજર રહેવા સૂચના
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળનારી આ બેઠકમાં પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યો હાજર રહેશે. આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલી પાંખના વડાના નામ નક્કી કરવામાં આવશે. જો જરૂર પડશે તો આ બેઠકને એક દિવસ લંબાવવામાં પણ આવશે. આ બેઠકમાં શહેર અને જિલ્લા પ્રમુખો પણ હાજર રહેવાના છે. સરળ સંકલન થાય તે માટે મોવડી મંડળ દ્વારા હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આજે નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખોના નામની જિલ્લા સ્તરે જાહેરાત થઈ શકે છે.


