કે.કે.વી.ચોક પાસે જીવ રક્ષા ફાઉન્ડેશનનો સેવાયજ્ઞ: ૬૦ દિવસમાં ૧.૨૦ લાખ લીટર ઠંડુ પાણી પીવડાવ્યું
ધોમધખતા તાપમાં રાજકોટવાસીઓ અને રાહદારીઓ માટે આશીર્વાદરૂપ બનતું પાણીનું પરબ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં કડકડતી ગરમી વચ્ચે જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજકોટ સ્થિત કે.કે.વી. હોલ ખાતે શરૂ કરવામાં આવેલ નિઃશુલ્ક પાણીનું પરબ આજે હજારો લોકો માટે રાહતરૂપ બન્યું છે. ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ છેલ્લા 60 દિવસ દરમિયાન 20 લીટરના અંદાજે 6000 જેટલા જગ પાણીનો ઉપયોગ થયો, જેનો કુલ સરેરાશ અંદાજે 1,20,000 લીટર પાણી થાય છે. રોજ મોટી સંખ્યામાં લોકો ઠંડુ અને શુદ્ધ પાણી પીને ગરમીમાં રાહત અનુભવી રહ્યા છે.
આ સેવાકીય કાર્યમાં અનેક સેવાભાવી કાર્યકર્તાઓ નિસ્વાર્થ ભાવથી જોડાઈ રહ્યા છે. ખાસ કરીને રિક્ષાચાલક ભાઈઓ, સરદારજી ભાઈઓ, BRTS સાથે જોડાયેલા કર્મચારીઓ તેમજ રોજિંદા મહેનતકશ લોકો પણ પાણીના પરબમાં સેવા આપી રહ્યા છે. ઘણા લોકો પોતાની વ્યસ્ત જીવનશૈલીમાંથી સમય કાઢીને પાણી ભરવું, લોકોને પાણી પીવડાવવું, વ્યવસ્થા જાળવવી જેવી સેવાઓમાં જોડાઈ રહ્યા છે. સમાજના વિવિધ વર્ગના લોકો એક સાથે મળી માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં રાજકોટ શહેરના અલગ અલગ પોઇન્ટ ઉપર પણ પાણીના પરબ શરૂ કરવાની યોજના પર વિચારણા ચાલી રહી છે. જો કોઈપણ ભામાશા દાતા પરિવાર, સેવાભાવી વ્યક્તિઓ અથવા સંસ્થાઓ આ સેવાકીય કાર્યમાં સહયોગ આપવા ઇચ્છતા હોય તો તેઓ ટ્રસ્ટનો સંપર્ક કરી શકે છે. દાતાઓનો સહયોગ અને સપોર્ટ મળશે તો રાજકોટના અનેક વિસ્તારોમાં પાણીના પરબ શરૂ કરવામાં આવશે.


