ગુજરાત સરકારનું સુગમ પોર્ટલ લોન્ચ : હવે સરકારી કામમાં નહીં પડે ધક્કા
આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્રથી લઈને રેશનકાર્ડની સેવા હવે ઘર બેઠા ઓનલાઈન મળશે
અગ્ર ગુજરાત, ગાંધીનગર
અમદાવાદમાં ગુજરાત સરકારે ડિજિટલ ગવર્નન્સ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાગરિકોને સરકારી સેવાઓ વધુ સરળ, ઝડપી અને પારદર્શક રીતે મળી રહે તે હેતુથી સુગમ પોર્ટલ નામની નવી ડિજિટલ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
રાજ્ય સરકારની આ પહેલથી હવે સામાન્ય લોકોને નાનાં-મોટાં પ્રમાણપત્રો અને સરકારી કામકાજ માટે કચેરીઓના ચક્કર કાપવાની જરૂરિયાતમાં મોટો ઘટાડો થશે. અત્યાર સુધી વિવિધ દસ્તાવેજો મેળવવા માટે લોકો લાંબી લાઈનોમાં ઊભા રહેતા, વારંવાર કચેરીઓમાં ધક્કા ખાતા અથવા એજન્ટોની મદદ લેતા હતા. હવે આ તમામ પ્રક્રિયા ઓનલાઈન થવાથી લોકો ઘરે બેઠા જ અરજી કરી શકશે.
અમદાવાદના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાનની વિશેષ ઉપસ્થિતિમાં આ પોર્ટલનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સરકારનું માનવું છે કે આ પહેલથી વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને સામાન્ય નાગરિકનો સમય તેમજ ખર્ચ બંને બચશે.સુગમ પોર્ટલ અંતર્ગત શરૂઆતમાં લગભગ 20 જેટલી મહત્વપૂર્ણ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં આવકના દાખલા, વિવિધ જાતિના પ્રમાણપત્રો, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા આપવામાં આવી છે. સાથે જ અરજદારો પોતાની અરજીની સ્થિતિ પણ ઓનલાઈન ટ્રેક કરી શકશે.
આ પોર્ટલમાં સૌથી વધુ સેવાઓ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સાથે જોડાયેલી છે. તેમાં SEBC પ્રમાણપત્ર, નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ, અનુસૂચિત જાતિ (SC) પ્રમાણપત્ર અને આર્થિક રીતે નબળા વર્ગ માટેનું EWS પ્રમાણપત્ર જેવી સેવાઓનો સમાવેશ થાય છે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોના લોકો આ સેવાઓનો લાભ લઈ શકશે. આ ઉપરાંત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની સેવાઓ પણ ઓનલાઈન કરવામાં આવી છે. હવે લોકો રેશનકાર્ડમાં નવું નામ ઉમેરવા, નામ કમી કરવા, અલગ રેશનકાર્ડ મેળવવા, નવું અથવા ડુપ્લિકેટ રેશનકાર્ડ કઢાવવા માટે પણ ઓનલાઈન અરજી કરી શકશે.
આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ અનુસૂચિત જનજાતિ (ST) નું પ્રમાણપત્ર મેળવવાની સેવા પણ આ પોર્ટલમાં સામેલ કરવામાં આવી છે. જ્યારે કાયદા વિભાગ દ્વારા અન્ય તૈયાર સોગંદનામું એટલે કે એફિડેવિટ મેળવવાની સુવિધા પણ નાગરિકોને મળશે. રાજ્ય સરકારનું કહેવું છે કે આ પોર્ટલ માત્ર ઓનલાઈન સેવા પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ આગામી સમયમાં વધુ વિભાગોને પણ તેમાં સામેલ કરવામાં આવશે. જેથી નાગરિકોને મોટાભાગની સરકારી સેવાઓ એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી મળી શકે.
ખાસ વાત એ છે કે ગુજરાત સરકાર હવે ગુજરાતી ભાષામાં AI આધારિત મોડલ વિકસાવવાની દિશામાં પણ આગળ વધી રહી છે. સરકારનું આયોજન છે કે ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી નાગરિકોને વધુ ઝડપી અને સરળ સેવા પૂરી પાડી શકાય. જેના કારણે સામાન્ય લોકોને પ્રક્રિયા સમજવામાં સરળતા રહેશે અને ભાષાની અડચણ પણ દૂર થશે.
ડિજિટલ ટેક્નોલોજીનો વધતો ઉપયોગ સરકાર અને નાગરિક વચ્ચેનું અંતર ઘટાડવામાં મદદરૂપ બની રહ્યો છે. “સુગમ પોર્ટલ” પણ તે દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો માટે આ સેવા ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે હવે તેમને નાના કામ માટે તાલુકા કે જિલ્લા કચેરી સુધી જવું નહીં પડે.
સરકારના આ નિર્ણયને સામાન્ય નાગરિકોમાંથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોનું માનવું છે કે ઓનલાઈન સેવાઓના વિસ્તરણથી સમયની બચત થશે, ભ્રષ્ટાચારની શક્યતા ઘટશે અને સરકારી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. રાજ્ય સરકાર આગામી સમયમાં વધુ ડિજિટલ સેવાઓ શરૂ કરીને ઈઝ ઓફ લિવિંગ વધારવા તરફ આગળ વધી રહી છે. સુગમ પોર્ટલ એ ગુજરાતને ડિજિટલ ગવર્નન્સમાં વધુ મજબૂત બનાવતી મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહ્યું છે.


