બગોદરા નજીક દારૂ ભરેલી ટ્રક પલટી ખાઇ જતાં રેલમછેલ
કેટલાક લોકોને દારૂ મેળવવાની ઉત્સુકતા
અગ્ર ગુજરાત, બગોદરા
બગોદરાને જોડતા હાઈવે પરથી દારૂની હેરાફેરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આજે વહેલી સવારે અંદાજે 5:00 વાગ્યાની આસપાસ ધોળકા-બગોદરા હાઈવે પર ગાંગડ પાટિયા નજીક દારૂ ભરેલી એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ, આ ટ્રક પૂરપાટ ઝડપે બગોદરા તરફ જઈ રહી હતી, ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકનો ઉપરનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો અને અંદર છુપાવેલો દારૂનો જથ્થો નજરે પડવા લાગ્યો હતો.
વહેલી સવારે હાઈવે પરથી પસાર થતા લોકોએ જ્યારે ટ્રકમાં દારૂ ભરેલો જોયો, ત્યારે તુરંત જ બગોદરા પોલીસને આ અંગે બાતમી આપી હતી. અકસ્માત બાદ દારૂની બોટલો રસ્તા પર વેરવિખેર થઈ ગઈ હતી. પોલીસ પહોંચે તે પહેલા કેટલાક લોકોમાં દારૂ મેળવવાની ઉત્સુકતા પણ જોવા મળી હતી, પરંતુ પોલીસે પહોંચીને સ્થિતિ કાબૂમાં લીધી હતી.


