વી.ટી.ચોકસી સાર્વજનિક કૉલેજ ઑફ એજ્યુકેશનમાં ‘AI અને માતૃભાષા સજ્જતા’ કાર્યશાળા યોજાઈ
નવા શૈક્ષણિક સત્રથી માતૃભાષા ગૌરવ અભિયાન દ્વારા ભાષાસજ્જતા માટે ઓનલાઇન માર્ગદર્શન અપાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત વી.ટી.ચોકસી સાર્વજનિક કૉલેજ ઑફ એજ્યુકેશન સુરતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ બી.એડ્. અભ્યાસકેન્દ્રના તાલીમાર્થીઓ માટે આજે ‘AI અને માતૃભાષા સજ્જતા : શુદ્ધ લેખન અને જોડણી કૌશલ્ય’ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બી.એડ્. અભ્યાસકેન્દ્રના કો-ઓર્ડિનેટર શ્રી ડૉ. પ્રવીણચંદ્ર પરમારે માર્ગદર્શક રાજેશકુમાર ધામેલિયાનો પરિચય આપ્યો હતો અને તાલીમાર્થી દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.
આ કાર્યશાળામાં ‘માતૃભાષા ગૌરવ અભિયાન’ના સંવાહક શ્રી રાજેશકુમાર ધામેલિયાએ AIના ઉપયોગ દ્વારા આપણા લખાણમાં રહેલી ભૂલો હોય તો કેવી રીતે જાણી અને સુધારી શકાય તેનું નિદર્શન કરાવવામાં આવ્યું. AIના લાભ અને મર્યાદા વિશે પણ ચર્ચા કરવામાં આવી. ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ ડાઉનલોડ કરાવવામાં આવ્યો અને તેના ઉપયોગ માટે જરૂરી માહિતી આપવામાં આવી. તાલીમાર્થીઓ રમત દ્વારા ગમ્મત સાથે જોડણીના નિયમો શીખે તે માટે કલાપી, મેઘાણી, પન્નાલાલ પટેલ અને નર્મદ – એમ ચાર જૂથ પાડવામાં આવ્યાં. કાર્યશાળાના પ્રારંભે પૂર્વ-કસોટી લેવામાં આવી હતી. તેમાં તાલીમાર્થીઓએ મેળવેલ ગુણ આધારે જૂથની રચના કરવામાં આવી. પોતાના જૂથને વિજેતા બનાવવા સૌ તાલીમાર્થીઓ ખૂબ ઉત્સાહથી સહભાગી થયા હતા.
આ પ્રસંગે રાજેશકુમાર ધામેલિયાએ જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાની જોડણીના નિયમો વિવિધ રમતો ગમ્મત સાથે શીખવવામાં આવે તો ખૂબ આનંદદાયી પરિણામો પ્રાપ્ત થાય છે. સૌ શિક્ષક મિત્રોએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે, નિયમો ગોખાવવાના નથી. શબ્દો પરથી નિયમ યાદ આવે તેવો મહાવરો કરાવવાની જરૂર છે. નવા શૈક્ષણિક સત્રથી માતૃભાષા ગૌરવ અભિયાન દ્વારા ભાષાસજ્જતા માટે નિયમિત ઓનલાઇન માર્ગદર્શન આપવામાં આવશે. તેમાં સહભાગી થવા ઇચ્છતા સૌ લોકો મો.નં. 9825492499 પર સંદેશ મોકલી ‘માતૃભાષા ગૌરવ’ ચૅનલમાં જોડાઈ શકે છે. ગુજરાતની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેનો લાભ લઈ શકશે. દસ કલાકનું પ્રશિક્ષણ મેળવનાર શિક્ષકો લેખનમાં જોવા મળતી 80-90% ભૂલો સહેજે નિવારી શકશે.”


