ઉનાના કેસરીયામાં ફરવા ગયેલા પરિવારના બંધ મકાનને ગામના જ જાણભેદુઓએ બનાવ્યું નિશાન
પોલીસે ચાર આરોપીઓને ઝડપી વાડીમાં દાટેલો 84 હજારનો મુદ્દામાલ કર્યો રીકવર: ગ્રામજનોની હાજરીમાં આરોપીઓએ ખોદીને કાઢ્યો દાટેલો માલ
અગ્ર ગુજરાત, ઉના
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરીયા ગામે ગત 1લી મે 2026ના રોજ રાત્રીના અંધારામાંઆચરવા માં આવેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉના પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખીને મોટી સફળતા મેળવી છે. પોલીસે આ પ્રકરણમાં ગામના જ ચાર શાતિર આરોપીઓને ઝડપી પાડીને તેમની નિશાન દેહી પર વાડીમાં ખાડો ખોદીને દાટી રાખેલો રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
કેસરીયા-દીવ હાઈવે રોડ પર રહેતા ભાણજીભાઈ નાનુભાઈ કામલિયા પોતાના સમગ્ર પરિવાર સાથે 1લી મેના રોજ શિમલા-મનાલી ફરવા માટે ઉપડી ગયા હતા. ઘર બંધ હોવાની જાણ ગામના જ કેટલાક જાણભેદુ તસ્કરોને થઈ ગઈ હતી. આ તકનો પૂરેપૂરો લાભઉઠાવી ને રાત્રીના સમયે તસ્કરોએ ભાણજીભાઈના મકાનના તાળા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.
તસ્કરોએ ઘરમાં રહેલી તિજોરી અને કબાટ ફેંદીને રોકડ રકમ, સોનાના દાગીના, ચાંદીના ઘરેણાં સહિત કુલ રૂ. 2,73,600 ની માલમત્તા પર હાથ સાફ કરી દીધો હતો. ફરવા ગયેલો પરિવાર પરત ફર્યો ત્યારે ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તાત્કાલિક ઉના પોલીસ મથકે દોડી જઈને સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ઘરફોડ ચોરીના ગંભીર ગુનાની નોંધ લેતા ઉના પોલીસ ઈન્સ્પેક્ટરે તાત્કાલિક અલગ અલગ બે ટીમો બનાવીને આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હતી. પોલીસે સૌપ્રથમ ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને ફિંગરપ્રિન્ટ સહિતના વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા. ત્યાર બાદ ભાણજીભાઈના ઘરની આસપાસ રહેતા, અવર જવર કરતા અને અગાઉ ગુનાહિત ઈતિહાસ ધરાવતા શંકાસ્પદ શખ્સોની યાદી તૈયાર કરવામાં આવી.
પાક્કી બાતમી અને નક્કર પુરાવાના આધારે ઉના પોલીસે કેસરીયા ગામના સંજય ઉર્ફે ભુરો ધીરુ વાજા, જગદીશ ઉર્ફે જયદો બચુભાઈ શિંગડ, દેવસી બીજલ ભાઈ શિંગડ અને *વિપુલગીરી શંકરગીરી મેઘનાથી નામના ચાર શખ્સોને ઉઠાવી લીધા હતા.
આરોપીઓએ કબૂલાતમાં જણાવ્યું કે પકડાઈ જવાના ડરથી તેમણે ચોરી કરેલા મુદ્દામાલને ગામથી થોડે દૂર આવેલી એક અવાવરુ વાડીમાં ખાડો ખોદીને દાટી દીધો હતો. આરોપીઓની કબૂલાત બાદ ઉના પોલીસની ટીમ ચારેય આરોપીઓને લઈને તે વાડીએ પહોંચી હતી. પોલીસે ત્યાં ખોદકામ કરાવતા પ્લાસ્ટિકની કોથળીમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 84,769 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે પંચનામું કરીને સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


