વાવડીમાં શ્રમિક યુવક પર મિત્રનો પથ્થરોના ઘા ઝીકી જીવલેણ હુમલો
નોનવેજની દુકાને બંને મિત્રો વચ્ચે પૈસાની બોલાચાલી બાદ હુમલો કરાયો, યુવાન ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પૈસાની લેતીદેતીને લઈને થયેલી બોલાચાલી દરમિયાન એક શ્રમિક યુવક પર તેના જ ઓળખીતાએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી. નોનવેજની દુકાન પાસે ઉભા રહી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા આરોપીએ નજીકમાં પડેલો મોટો પથ્થર ઉચકી યુવકના માથામાં ફટકાર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટનાને પગલે તાલુકા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ મૂળ બિહારના વતની અને હાલ રાજકોટમાં વસવાટ કરતા સુધીરકુમાર અવધકુમાર તિવારી (ઉ.વ.૩૫) પર આ હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ વાવડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બનાવ અંગે સુધીરના નાના ભાઈ પ્રવીણ અવધકુમાર તિવારીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રવીણ ગોંડલ રોડ નજીક પરિન ફર્નિચર પાછળ રહે છે અને પ્લમ્બિંગના કારખાનામાં કામ કરે છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગઈકાલે બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યાના અરસામાં પ્રવીણ પોતાના કામ પર હાજર હતો ત્યારે તેના ભાઈ સુધીરના મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર અજાણ્યા વ્યક્તિએ જણાવ્યું હતું કે, તમારા ભાઈને કોઈએ માથામાં પથ્થર મારી દીધો છે અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ. આ વાત સાંભળતા જ પ્રવીણ ગભરાઈ ગયો હતો અને તરત જ સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો. હોસ્પિટલ પહોંચ્યા બાદ ત્યાં હાજર રહેલા બે વ્યક્તિઓએ પોતાનું નામ સાકીર શાહ અને અનિશ રાહીની હોવાનું જણાવ્યું હતું. બંને વાવડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મીરા કાસ્ટિંગ રોડ પાસે ઈંડા અને મટનની દુકાન ચલાવે છે. તેમણે પ્રવીણને સમગ્ર બનાવની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સુધીરકુમાર અને બિલાલ ભટ્ટી નામનો યુવક અવારનવાર તેમની દુકાને નાસ્તો અને જમવા માટે આવતા હોવાથી બંનેને સારી રીતે ઓળખતા હતા.
બનાવના દિવસે પણ સુધીર અને બિલાલ બંને દુકાને આવ્યા હતા. શરૂઆતમાં બંને સામાન્ય રીતે વાતચીત કરતા હતા, પરંતુ થોડા સમય બાદ પૈસાની લેવડદેવડ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. દુકાનદારે બંનેને શાંતિ રાખવા અને ઝઘડો નહીં કરવા સમજાવ્યા હતા. જોકે બંને થોડે દૂર દુકાનની બાજુમાં આવેલા ઝાડ નીચે જઈ ફરી ઝઘડવા લાગ્યા હતા.
સાકીર શાહના જણાવ્યા મુજબ, જ્યારે તેમણે ફરીથી બંનેને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપી બિલાલ ભટ્ટી અચાનક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે નજીકમાં પડેલો મોટો પથ્થર ઉપાડી સુધીરના માથામાં જોરદાર ઘા ઝીંક્યો હતો. હુમલાના કારણે સુધીરકુમારના માથામાંથી ભારે લોહી વહેવા લાગ્યું હતું અને તેઓ બેભાન થઈ જમીન પર ઢળી પડ્યા હતા. ઘટના બાદ આસપાસ હાજર લોકો દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસ બાદ પોલીસે આરોપી બિલાલ ભટ્ટી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળની તપાસ, સાક્ષીઓના નિવેદનો તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હુમલા પાછળ પૈસાની ઉઘરાણી અને જૂના મનદુઃખનું કારણ હોવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ઇજાગ્રસ્ત સુધીરકુમારની સારવાર ચાલુ છે અને તેમની સ્થિતિ અંગે તબીબો દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
પોલીસે આરોપીને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી તેજ કરી હોવાનું જાણવા મળ્યું છે.


