ચૂંટણી પૂર્ણ થતાં જ મનપા બુલડોઝર એકશન મોડમાં
શહેરમાં ૧૨ મંદિરો તોડી પડાયા, ભાવિકોમાં ઉગ્ર આક્રોશ
ઘર્ષણ ટાળવા મનપા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોડી રાત્રે ૧:3૦થી વહેલી સવારે ૫ વાગ્યા સુધી ચાલેલી ડિમોલેશનની કાર્યવાહી
કેસરીયા હનુમાનજી મંદિર સહિતના ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવતા સ્થાનિકોએ રસ્તા પર બેસી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પૂર્ણ થતાં મહાનગરપાલિકા એકશન મોડમાં આવી છે. ડિમોલેશનની કામગીરીનો પ્રારંભ કરાયો છે. જેમાં મોડી રાત્રે ૯ હનુમાનજીના મંદિર સહિત ૧૨ જેટલા ધાર્મિક સ્થાનોનું ડિમોલેશન કરતા શહેરમાં વાતાવરણમાં ગરમાવો આવ્યો છે અને હિન્દુ સંગઠનો તેમજ સ્થાનિકો મેદાને આવ્યા છે.
રાજકોટ મહાનગપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ અને રોડ રસ્તા પર આવતા નાના મંદિરો અને હનુમાનજીની ડેરી તોડી પાડવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. કામગીરી દરમિયાન કોઈ મોટું ઘર્ષણ ન થાય આ માટે તંત્ર દ્વારા રાત્રિના સમયે ડિમોલિશન કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. સમગ્ર ડિમોલિશનની પ્રક્રિયા રાત્રે દોઢ વાગ્યાથી શરૂ કરી 5 વાગ્યા સુધી ચાલી હતી. આ માટે તંત્ર દ્વારા ફાયર વિભાગ, PGVCL, વિજિલન્સ અને સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી, જેમાં મજૂરોને પણ સાથે રાખવામાં આવ્યા હતા.
કુલ 12 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જે પૈકી રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9 જેટલા મંદિરો તોડી પાડવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે માલવિયાનગર પોલીસ સ્ટેશન પીઆઇ જે. એમ. કૈલા, 5 PSI અને 60 પોલીસ કર્મચારીઓન બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો.
માલવિયાનગર પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક મવડી ચોક પાસે રસ્તા પર કેસરિયા હનુમાન મંદિર આવેલું છે, જેને તોડી પાડવા માટે RMC દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જો કે આ વાતની જાણ થતા સ્થાનિક લોકો અને યુવાનો મોટી સંખ્યામાં મંદિર ખાતે એકત્રિત થઇ ગયા હતા અને રસ્તા પર રામધૂન બોલાવી હતી. સતત ચાર કલાક સુધી મંદિર બહાર બેસી રહી બાદમાં ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી સાથે રૂબરૂ સ્થળ પર ચર્ચા કરી મંદિરથી 500 મીટર દૂર રસ્તામાં દરગાહ આવેલ હોવા છતાં તેને નોટિસ ન આપી હિન્દૂ સમાજની લાગણી દુભાઈ તે પ્રકારનું કામ થઇ રહ્યું છે. અમે શરતોમાં બાંધછોડ કરીશુ, પરંતુ મંદિર તોડવા દેશું નહિ કહેતા અધિકારીએ સ્થાનિકોને જાતે 48 કલાકમાં મંદિર નાનું કરવા ખાતરી લેવામાં આવી હતી.
ભાજપે ધર્મના નામે જ મત માંગ્યા હતા. આજે પીએમ હોય કે સીએમ, બધા હિન્દુત્વ અને સનાતનના નામે જ સત્તા પર આવ્યા છે. તો પછી હિન્દુઓના જ મંદિરો પાડીને શું ફાયદો? જો તમારે કામ જ કરવું હોય તો રાજકોટમાં બીજા ઘણા સારા કામો છે, ત્યાં ધ્યાન આપો. મંદિરો પાછળ સમય ન બગાડો. આજે જો 5 લોકો જાગ્યા છે, તો કાલે 5 હજાર પણ જાગશે તો યાદ રાખજો, આજે તમારી સત્તા છે, પણ જનતા ધારે તો એ સત્તા ઉખેડી ફેંકતા વાર નહીં લાગે.


