રાજકોટની ૧૪૦૦, સૌરાષ્ટ્ર-કચ્છની ૬૫૦૦ દવાની દુકાનો બુધવારે બંધ રહેશે
ઓનલાઇન દવાના વેંચાણ સામે રાષ્ટ્રીય સંગઠનના એલાનને સમર્થન : ઇમરજન્સી માટે નંબર જાહેર કરાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
કેમીસ્ટ્રોની હડતાળ દરમિયાન રાજકોટ શહેરમાં દર્દીઓને ભારે હાલાકી ન ભોગવવી પડે તે માટે કેમિસ્ટ એસોસિએશન રાજકોટ દ્વારા ઈમરજન્સી સેવાઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. એસોસિએશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી મોટી હોસ્પિટલોની ઇન્ડોર ફાર્મસી અને મેડિકલ સ્ટોર્સને ખુલ્લા રાખવાની સત્તાવાર વ્યવસ્થા કરવામાં આવી છે. આ આયોજન હેઠળ મવડી મેઈન રોડ પર સ્ટાર સિનરજી હોસ્પિટલ મેડિકલ, માધાપર ચોકડી પાસે ક્રાઈસ્ટ હોસ્પિટલ, અયોધ્યા ચોક ખાતે એસસીજી હોસ્પિટલ ફાર્મસી, 150 ફૂટ રીંગ રોડ પર સિનરજી હોસ્પિટલ અને ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી સ્ટર્લીંગ હોસ્પિટલની ઇન્ડોર ફાર્મસી ઈમરજન્સી સેવાઓ માટે કાર્યરત રહેશે.
રાજકોટના અન્ય પશ્ચિમ અને સેન્ટ્રલ વિસ્તારો માટે પણ હોસ્પિટલ સંલગ્ન મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખવાની જાહેરાત કરાઈ છે. જેમાં કાલાવડ રોડ પર આવેલી વોકહાર્ટ હોસ્પિટલ, યુનિવર્સિટી રોડ પર બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, નિર્મલા મેઈન રોડ પર કેન્સર હોસ્પિટલ અને જી.ટી. શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલની ઇન્ડોર ફાર્મસીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મવડી પ્લોટ વિસ્તારમાં એચ. જે. દોશી હોસ્પિટલ, પંચવટી મેઇન રોડ પર જલારામ હોસ્પિટલ, કાલાવડ રોડ 150 ફૂટ પર ગીરીરાજ હોસ્પિટલ, રણછોડ નગરમાં ગોકુલમ હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ પર ગોકુલ હોસ્પિટલ તેમજ ગાયત્રી નગર મેઇન રોડ પર આવેલી નક્ષ કિરણ હોસ્પિટલની ઇન્ડોર ફાર્મસીમાંથી દર્દીઓ કટોકટીના સમયે દવાઓ મેળવી શકશે.
હોસ્પિટલ ફાર્મસી ઉપરાંત, જો શહેરમાં કોઈ દર્દીને અન્ય કોઈ ઈમરજન્સી મેડિસિનની તાકીદે જરૂરિયાત ઊભી થાય તો રાજકોટ કેમિસ્ટ એસોસિએશન દ્વારા પાંચ જવાબદાર કારોબારી સભ્યોની વિશેષ નિમણૂક કરવામાં આવી છે. કોઈપણ અણધારી પરિસ્થિતિમાં નાગરિકો વ્યવસ્થા માટે અમિતભાઈ મજેઠીયા (9824327279), અંકિતભાઈ કાછેલા (9825081360), ભૂપેશભાઈ તન્ના (9428297127), પ્રતિકભાઈ ગોસ્વામી (9033917618) અથવા હિતેષભાઇ ત્રાડા (9924351569) નો સીધો સંપર્ક સાધીને મદદ મેળવી શકશે.
વડોદરા એસો. નહી જોડાય
ગેરકાયદેસર ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં આગામી 20 મેના રોજ યોજાનારી દેશવ્યાપી હડતાળને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ હડતાળમાં(Nationwide Chemist strike)જ્યાં એકતરફ દેશભરના 12.40 લાખ અને ગુજરાતના 35 હજાર જેટલા કેમિસ્ટો જોડાવાના છે, ત્યારે બીજી તરફ વડોદરાના કેમિસ્ટ એસોસિએશને આ બંધથી અલિપ્ત રહેવાનો નિર્ણય કર્યો છે.
વડોદરાના કેમિસ્ટો આ હડતાળમાં નહીં જોડાય, જેના કારણે વડોદરા શહેર અને જિલ્લામાં તમામ મેડિકલ સ્ટોર્સ રાબેતા મુજબ ખુલ્લા રહેશે અને સ્થાનિક દર્દીઓને દવાઓ મેળવવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.
20 મે પહેલાં દવા ખરીદવા અપીલ
સમગ્ર રાજ્યની સ્થિતિ પર નજર કરીએ તો, અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં હજારો મેડિકલ સ્ટોર્સ બંધ રહેવાના હોવાથી કેમિસ્ટોએ લોકોને 20 મે પહેલાં જ જરૂરી દવાઓ ખરીદી લેવા અપીલ કરી છે. જો કે, વડોદરાના વેપારીઓ હડતાળથી દૂર રહેતા મધ્ય ગુજરાતમાં રાહત રહેશે, જ્યારે રાજકોટમાં હોસ્પિટલ ફાર્મસીઓ અને કારોબારીઓની હેલ્પલાઈન ટીમના કારણે ઈમરજન્સી સેવાઓ જળવાઈ રહેશે.


