ગરમીમાં એક દિવસની આંશિક રાહત બાદ તાપમાન ફરી ૪3 ડિગ્રીએ પહોંચ્યું
રાજકોટ સહિતના શહેરોમાં લોકો આકરી તાપથી અકળાયા : ૨૨ સિટીનું તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ : સાત દિવસનું એલર્ટ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતના અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં પારો 45°Cને પાર પહોંચી ગયો. સતત બીજા દિવસે અમદાવાદ 43.7°C સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. વિતેલા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો પણ જોવા મળ્યો છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર, આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમિક ઘટાડો થવાની પ્રબળ સંભાવના છે. જોકે, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં તાપમાનનો પારો 40°Cથી વધુ જ રહેવાની શક્યતા સેવાઈ રહી છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ અમદાવાદમાં 43°C, ગાંધીનગરમાં 43° C, સુરતમાં 38°C, રાજકોટમાં 43°C, વડોદરામાં 42°C, અમરેલીમાં 42°C, ભૂજમાં 42°C અને ડીસામાં 42°C મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે. અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના 22 શહેરોમાં મંગળવારે પારો 45°Cને પાર પહોંચી ગયો. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર, આખા મે મહિનામાં MPના ઘણા શહેરોમાં તાપમાન 45°Cથી વધુ રહેશે.
અમદાવાદમાં આજે આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહ્યું હતું અને મહત્તમ તાપમાન 43.7°C નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.7°C વધુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 28.6°C નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ સવારે 50% અને સાંજે ઘટીને 18% રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 44°C સુધી પહોંચી શકે છે.
આગામી 7 દિવસ (26 મે સુધી) ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સુકું રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ માટે કોઈ પણ પ્રકારની ગંભીર હવામાન ચેતવણી જાહેર કરવામાં આવી નથી, એટલે કે તમામ દિવસોમાં સ્થિતિ સામાન્ય રહેશે. હાલમાં ઉત્તર પાકિસ્તાન અને જમ્મુની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે.
દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતના તટીય વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાનો પવન ફૂંકાશે. હવાનું દબાણ વધુ હોવાને કારણે દરિયાકાંઠે પવનની ગતિ 28થી 37 કિમી પ્રતિ કલાક અને ક્યારેક વધીને 46 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.


