નાગરિક બેંકનો બિઝનેસ રૂ.૧૨૦૦૦ કરોડને આંબ્યો
સૌરાષ્ટ્ર-કચ્છની પ્રથમ બેંક બની
સભાસદો-ખાતેદારોના અતૂટ વિશ્વાસથી સતત પ્રગતિ થઈ રહી છે : દિનેશભાઈ પાઠક
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડે અનેક સોપાનો સર કરી વધુ એક સિદ્ધી મેળવી છે. બેંકે તાજેતરમાં જ રૂા. ૧૨,૦૦૦ કરોડથી વધુનો બિઝનેસ નોંધાવેલ છે.
બેંકનાં ચેરમેન દિનેશભાઈ પાઠક અને વાઇસ ચેરમેન જીવણભાઈ પટેલ સંયુક્ત યાદીમાં જણાવે છે કે, ‘સભાસદો અને ખાતેદારોના વિશ્વાસથી બેંક અવિરત પ્રગતિ કરી રહી છે. સહુના સહિયારા પુરુષાર્થથી બિઝનેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત ઓગસ્ટ ૨૦૨૫માં રૂા. ૧૧,૦૦૦ કરોડનો બિઝનેસ ક્રોસ કરેલ અને ફક્ત ૧૦ માસના ટૂંકાગાળામાં રૂ।. ૧૨,૦૦૦ કરોડથી વધુનો બિઝનેસ મિક્સ થતાં અમે સહુ હર્ષની લાગણી અનુભવીએ છીએ. બેંકે ગત માર્ચ માસમાં ગ્રાહક સેવાના વિસ્તરણ અંતર્ગત પાંચ નવી શાખાઓના શુભારંભ સાથે કાર્યક્ષેત્રનું વિસ્તરણ કર્યું છે. આ તકે સભાસદો-ખાતેદારોનો હ્રદયપૂર્વક આભાર.’
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.નો નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬નો ગ્રોસ નફો રૂા. ૧૧૫.૩૫ કરોડ થયેલ છે. જનવિશ્વાસની આરાધના કરતી આ બેંકે સતત છ વર્ષથી ઝીરો નેટ એનપીએ જાળવી રાખ્યું છે. બેંકે શાપર, મેટોડા અને દરેડમાં શાખા શરૂ કરી ઔદ્યોગિક વિસ્તારમાં પ્રતિનિધિત્વ વધાર્યું છે. રાજકોટના વિકસિત વિસ્તારો રેલનગર અને નાના મવા રોડ ઉપર નવી શાખા શરૂ કરી છે. નવી શાખાઓના વિસ્તરણ બાદ મહારાષ્ટ્રની ૪ સહિત અને ગુજરાતમાં કુલ ૪૩ શાખા અને બે એક્સટેન્શન કાઉન્ટરનું નેટવર્ક થયું છે. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ‘મન્ડે, નો કાર-ડે’ અંતર્ગત દર સોમવારે બેંકનાં સંચાલક મંડળના સદસ્યો કે કર્મચારીગણ બેંકના કામકાજ અર્થે બેંકની કારનો ઉપયોગ કરતા નથી. તેમજ વાંચન થકી શ્રેષ્ઠ સમાજનાં નિર્માણની નેમ સાથે બેંકમાં મહિનાના ત્રીજા શનિવારે વાંચન પરબ યોજાય છે અને તેમાં શ્રેષ્ઠ પુસ્તકોની વાત જે તે લેખક કે ખ્યાતનામ વક્તા રજુ કરે છે અને તેના અત્યાર સુધીમાં ૧૦૨ મણકાનું સફળ આયોજન થયેલું છે. ૧૦ વર્ષથી મોટા અને ૧૮ વર્ષથી નાના (માઇનોર) બાળકોને પોતાની સહીથી બેંક ખાતુ ઓપરેટ થાય તેવી સુવિધા આપનાર ગુજરાતભરની સર્વપ્રથમ સહકારી બેંક છે. બેંકની વિવિધ પ્રોડકટ અને યોજનાઓમાં પૈકી સંકટ સમયની આર્થિક સાંકળ ગણાતું સોના ધિરાણ, હોમ લોન અને કાર લોન ઉપરાંત ઔદ્યોગિક લોન, સોલર લોનનો લાભમહત્તમ ખાતેદારોએ મેળવેલ છે. પોલીસી ડ્રીવન બેંકમાં નાના અને મધ્યમવર્ગને કેન્દ્રસ્થાને રાખીને નિર્ણયો લેવામાં આવે છે એટલે જ નાના માણસની મોટી બેંક તરીકે ઓળખાય છે. એશિયાભરમાં સૌથી વધુ સભાસદો ધરાવતી સહકારી બેંકમાં સભાસદ કલ્યાણકારી યોજનાના ભાગરૂપે વર્ષ ૨૦૧૩થી સભાસદોને રૂા. ૧ લાખના અકસ્માત વીમા કવચની ભેટ આપેલી છે. સાથોસાથે સભાસદોની આરોગ્યની જાળવણી અર્થે રાજકોટની વિવિધ હોસ્પીટલ અને નિદાન કેન્દ્ર, સીમ્સ હોસ્પીટલ (અમદાવાદ)માં સભાસદની સારવારનાં બિલમાં વિશેષ રાહત આપવામાં આવે છે.


