વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો ચકચાર મચાવતો આક્ષેપ
૧૦ લાખમાં મળશે! નીટના પેપરનો ફરી સોદો
ટેલિગ્રામ પર કેટલીક શંકાસ્પદ ચેનલો સક્રિય, પેપર લીક થઈ ગયું હોવાની વાલી-છાત્રોને અપાતી લાલચ
અત્યાર સુધીમાં ૭૯૦૧ લોકો પાસેથી રૂ.૫.૭૪ કરોડથી વધુની રકમ વસુલાઈ હોવાનો અંદાજ: ‘રાઘવ સર’ નામનો શખ્સ સમગ્ર નેટવર્ક ચલાવતો હોવાની રાવ
ફરીથી ૨3 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને તંત્રના સિસ્ટમ સામે સવાલો ઉભા થયા
અગ્ર ગુજરાત, ગાંધીનગર
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ Re-NEET 2026 પેપર લીકના નામે ચાલી રહેલા મોટા સાયબર કૌભાંડનો આરોપ લગાવી ચોંકાવનારા દાવા કર્યા છે. યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ટેલિગ્રામ પર કાર્યરત કેટલીક શંકાસ્પદ ચેનલો વિદ્યાર્થીઓ અને વાલીઓને ‘Re-NEET 2026નું પેપર લીક થઈ ગયું છે’ તેવી લાલચ આપી લાખો રૂપિયા પડાવી રહી છે.
તેમના જણાવ્યા અનુસાર, એક પેપરનો ભાવ રૂપિયા 10 લાખ રાખવામાં આવ્યો છે અને ‘RENEET LEAKER’ સહિતની અનેક ટેલિગ્રામ ચેનલો દ્વારા અત્યાર સુધીમાં આશરે 7901 લોકો પાસેથી ₹5.74 કરોડથી વધુની રકમ વસૂલવામાં આવી હોવાનો પ્રાથમિક અંદાજ છે. યુવરાજસિંહે દાવો કર્યો હતો કે ‘રાઘવ સર’ નામનો શખ્સ આ સમગ્ર નેટવર્ક સંચાલિત કરતો હોવાની શંકા છે અને ઉપલબ્ધ ઓડિયો રેકોર્ડિંગમાં તે અગાઉ પણ પેપર લીક કરાવ્યાની કબૂલાત કરતો સંભળાય છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને Re-NEET 2026નું પેપર લીક થઈ ગયું છે તેવી લાલચ આપી લાખો રૂપિયા પડાવી રહ્યા છે.
યુવરાજસિંહ જાડેજાએ વધુ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, આ સમગ્ર કૌભાંડમાં એક ધારાસભ્યની સંડોવણી હોવાના પણ એંધાણ મળી રહ્યા છે. ઓડિયો ક્લિપમાં ‘આ આખી સિસ્ટમ છે, કશું નહીં થાય’ જેવા શબ્દો બોલાતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સાથે જ ટેલિગ્રામ ગ્રુપોમાં અનામત મુદ્દે ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓમાં જાતિવાદી દ્વેષ ફેલાવવાનો પ્રયાસ થતો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
AAP નેતાએ ‘રાઘવ સર’ સહિત તમામ સંડોવાયેલા લોકોની ઓળખ જાહેર કરી તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. ઉપરાંત, જો કોઈ રાજકીય વ્યક્તિ અથવા ધારાસભ્યની સંડોવણી સામે આવે તો વિશેષ તપાસ ટીમ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં ફરતી લીંક
AAP નેતા યુવરાજસિંહ દ્વારા @RENEETLEAKER, @RENEET_LEAKER, @RENEET_LEAKERS, @RENEET_PAPERLEAK, @NEET_HANDLER, @WASSPHERE અને @RAREOB જેવી ટેલિગ્રામ ચેનલોને શંકાસ્પદ ગણાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને આવા ફ્રોડથી સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી હતી. ટેલિગ્રામ ચેનલ પર મોકલેલા ઓડિયો રેકોર્ડિંગમાં તેણે અગાઉ પણ પેપર લીક કર્યું હોવાની કબૂલાત કરે છે.
પૂરાવા મીડિયામાં મુકાશે: યુવરાજસિંહ
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં સ્ક્રીનશોટ, વીડિયો, ઓડિયો રેકોર્ડિંગ અને નાણાકીય વ્યવહારો સહિતના ડિજિટલ પુરાવાઓ મીડિયા અને તપાસ એજન્સીઓ સમક્ષ રજૂ કરવામાં આવશે. સાથે જ સમગ્ર ટેલિગ્રામ નેટવર્કની સાયબર ફોરેન્સિક તપાસ, UPI ID અને ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન ટ્રેલની તપાસ કરી સંડોવાયેલા ખાતાઓ સીઝ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.


