આસ્થાના સ્થળમાંથી પરીવારવાદનો છેડ ઉડાડતા ખોડલધામના પ્રરેણતા
ખોડલધામમાં મારી જગ્યા પરિવારમાંથી કોઇ નહી લ્યે : નરેશભાઇ
સંસ્થામાં ભવિષ્યની લીડરશિપ અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મૂકતા ચેરમેન : ૨૦૨૬થી આરામના સંકેત આપતા લોકોમાં અનેક સવાલોની ચર્ચા : અન્ય કાર્યકરો પર ભરોષો મૂકતા નરેશભાઇ પટેલ
અગ્ર ગુજરાત, રાજકોટ
સામાન્ય રીતે કોઇ સંસ્થા કે પક્ષની સ્થાપના કરનાર વ્યકતના પરિવારના સભ્યો જે તેને આગળ લઇ જતા હોય છે. અથવા સર્વે સવા બની જતાં હોય છે. ત્યારે ખોડલધામના પ્રણેતા અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ દ્વારા પરિવારવાદનો છેડ ઉડાડતા મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જેમાં તેઓએ સમાજને વિશ્વાસ અપાવ્યો હતો કે ખોડલધામમાં મારી જગ્યાએ મારા પરિવારમાંથી કોઇને પણ સ્થાન મળશે નહી.
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે રાજકોટ ખાતે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. ખોડલધામની સ્થાપનાને સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જે અંતર્ગત શતાબ્દી મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે ખોડલ માતાજીનો પવિત્ર રથ સમગ્ર ગુજરાતમાં 3 અલગ-અલગ ઝોનમાં પરિભ્રમણ કરશે અને ભક્તોને દર્શનનો લાભ આપશે.
સંસ્થામાં ભવિષ્યની લીડરશિપ અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર વિરામ મુકતા નરેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, મારા ગયા બાદ મારા પરિવારમાંથી કોઈ પણ સભ્ય ખોડલધામમાં મારી જગ્યા લેશે નહીં. 2027 પછી તેમની નવી ભૂમિકા શું હશે તે અંગે વાત કરતા તેમણે શ્રદ્ધાપૂર્વક જણાવ્યું કે, “આગળ જે કંઈ પણ થશે તે માં ખોડલની ઈચ્છા મુજબ થશે, માતાજીની જે ઈચ્છા હશે તે સ્વીકાર્ય રહેશે. માં ખોડલના પૂરા આશીર્વાદ હંમેશા આપણા સમગ્ર સમાજ ઉપર રહ્યા છે અને રહેશે.”
નવી ટીમ સક્ષમ છે : જવાબદારી સંભાળી શકે છે : નરેશભાઇ
પત્રકાર પરિષદ દરમિયાન નરેશ પટેલે પોતાના અંગત ભવિષ્ય અને નિવૃત્તિ અંગે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “હું વર્ષ 2009થી સતત પ્રવાસ અને સખત કામ કરી રહ્યો છું. હવે જ્યારે વર્ષ 2027 આવી રહ્યું છે, ત્યારે મેં મારા કામમાંથી આરામ લેવાનું વિચાર્યું છે. હું ઘણા વર્ષોથી આરામ લેવાનું વિચારી રહ્યો હતો, પરંતુ કોઈને કોઈ કારણોસર અત્યાર સુધી તે શક્ય બનતું નહોતું. પરંતુ હવે ખોડલધામ પાસે એક ખૂબ જ મજબૂત, સક્ષમ અને યુવા ટીમ તૈયાર છે જે બધી જ જવાબદારીઓ સારી રીતે સંભાળી શકે તેમ છે. આથી, હવે જો તેઓ આરામ લેશે તો પણ સંસ્થાના કામકાજમાં કોઈ વાંધો નહીં આવે.
બીજુ ખોડલધામ બને તો અમને તકલીફ નથી : નરેશભાઇ
નરેશ પટેલે સુરત ખાતે આકાર પામનારા બીજા ખોડલધામ અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, સુરતમાં ખોડલધામના નિર્માણ માટે જગ્યા (જમીન) લઈ લેવામાં આવી છે અને ખૂબ જ ઝડપથી ત્યાં બાંધકામનું કામ પણ શરૂ થવા જઈ રહ્યું છે. અન્ય જગ્યાએ ખોડલધામ બનવા અંગે તેમણે ખુલ્લા મનથી કહ્યું કે, જો બીજું ખોડલધામ બને તો અમને કોઈ જ તકલીફ નથી. લોકો માતાજી પર વધુ ને વધુ આસ્થા રાખે અને ધાર્મિક કાર્યો થાય તે સમાજ માટે ખૂબ સારી વાત કહેવાય.


