રાજકોટ સહિત રાજયભરની ખાનગી અને સરકારી શાળામાં ધો.૧માં પ્રવેશ પ્રક્રિયા શરૂ
શિક્ષણ વિભાગ દ્વારા ટુંક સમયમાં પ્રવેશોત્સવ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવાની તૈયારી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આગામી શૈક્ષણિક સત્ર માટે સરકારી શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરેક બાળકને શિક્ષણનો સમાન અધિકાર મળે તે હેતુથી સરકાર દ્વારા ‘શાળા પ્રવેશોત્સવ’ જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે.
સામાન્ય રીતે સરકારી શાળાઓમાં જૂન મહિનાથી નવા સત્રની શરૂઆત થતી હોય છે, પરંતુ એડમિશન ફોર્મ ભરવા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે વાલીઓએ અગાઉથી જ સજ્જ રહેવું પડે છે.
સરકારી શાળામાં પ્રવેશ માટે બાળકની ઉંમરની સચોટ ખાતરી કરવા માટે ગ્રામ પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા દ્વારા અપાયેલું જન્મનું પ્રમાણપત્ર સૌથી મહત્વનો દસ્તાવેજ છે.પ્રવેશ પ્રક્રિયાને ડિજિટલ ડેટા સાથે જોડવા માટે બાળકની સાથે સાથે માતા અને પિતાનું ઓળખ કાર્ડ હોવું જરૂરી છે. આ માટે ઓળખના પુરાવા તરીકે સંબંધિત સરકારી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. તમે જે વિસ્તારની શાળામાં બાળકને મૂકવા માંગો છો, ત્યાંના રહેવાસી છો તેની ખાતરી માટે રેશન કાર્ડ, લાઇટ બિલ અથવા વેરા બિલ જેવા દસ્તાવેજો માન્ય ગણાય છે. સામાન્ય રીતે બાળકના 3 થી 5 તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટા એડમિશન ફોર્મ અને આઈ-કાર્ડ માટે જરૂરી હોય છે.
કેટેગરી-સહાય માટેના પ્રમાણપત્રો
- જાતિનો દાખલો: જો બાળક અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (OBC) માં આવતું હોય, તો સક્ષમ અધિકારીનો દાખલો જરૂરી છે.
- આવકનો દાખલો: કેટલીક શાળાઓમાં અને સરકારી યોજનાઓના લાભ માટે માતા-પિતાની વાર્ષિક આવકનો દાખલો માંગવામાં આવે છે.
- BPL/EWS સર્ટિફિકેટ: જો કુટુંબ ગરીબી રેખા નીચે (BPL) હોય કે આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માં આવતું હોય, તો તેનું પ્રમાણપત્ર એડમિશનમાં અગ્રતા અપાવી શકે છે.
સરકાર દ્વારા બાળકોને મળતી શિષ્યવૃત્તિ કે ગણવેશ સહાય સીધી બેંક ખાતામાં જમા થાય છે. આ માટે બાળકના નામે અથવા વાલી સાથેના સંયુક્ત નામે રહેલી બેંક પાસબુકની નકલ જમા કરાવવી જરૂરી છે. વાલીઓએ ખાસ ધ્યાન રાખવું કે અલગ-અલગ જિલ્લા કે શાળાઓના નિયમો મુજબ દસ્તાવેજોમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે. તેથી, જે-તે શાળાના નોટિસ બોર્ડ પરની વિગતો પણ એકવાર ચકાસી લેવી. અધૂરા દસ્તાવેજોને કારણે એડમિશનમાં વિલંબ ન થાય તે માટે અત્યારથી જ ફાઈલ તૈયાર કરી લેવી તેવા સૂચનો શિક્ષણવિદો દ્વારા કરવામાં આવ્યો છે.


