લાઠીના કેરાળા નજીક ખાનગી બસ અને અલ્ટો કાર વચ્ચેની ટક્કરમાં ત્રણના મોત
મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
અમરેલી સ્ટેટ હાઇવે પર એક અત્યંત હૃદયદ્રાવક અને ગોઝારો અકસ્માતની ધટના બની હતી. લાઠીના કેરાળા ગામ અને માલવિયા પીપળીયાના પાટિયા નજીક ‘રોનક’ નામની ખાનગી ટ્રાવેલ્સની બસ અને અલ્ટો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કુરચો બોલી ગયો હતો અને કારમાં સવાર ૩ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. આ ઘટનાની વિગત મુજબ, અમરેલી સ્ટેટ હાઇવે પરથી પસાર થઈ રહેલી અલ્ટો કાર અને રોનક ટ્રાવેલ્સની ખાનગી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ કારનો બુકડો બોલી ગયો હોવાથી કાર સવાર ત્રણેય વ્યક્તિઓએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા જ લાઠી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ત્રણેય મૃતકોની લાશને બહાર કાઢી પીએમ અર્થે લાઠીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.


