ટીલાળા ચોકમાં પાઈપલાઈનમાં લીકેજ થતા લાખો લીટર પાણીનો થયો બગાડ
પ્રેશર વધુ હોવાથી પાણીનો પ્રચંડ ફુવારો છુટ્યો: રોડ પર નદીઓ વહી
અગ્ર ગુજરાત, રાજકોટ
એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની તંગી વર્તાઈ રહી છે, ત્યારે રાજકોટ શહેરમાંથી લાખો લીટર શુદ્ધ પીવાના પાણીનો વેડફાટ થયો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ટીલાળા ચોક નજીક રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય પાણીની લાઈનમાં અચાનક મોટું ભંગાણ સર્જાયું હતું. લાઈન ફાટવાના કારણે રસ્તા પર પાણીના 3-3 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા હતા અને જોતજોતામાં હજારો લીટર પાણી રોડ પર વહી ગયું હતું.
મળતી વિગતો અનુસાર, નવા 150 ફૂટ રિંગ રોડ પર હાલ રાજકોટ મનપા દ્વારા રોડ બનાવવાની તેમજ હોકર્સ ઝોન સંદર્ભે ખોદકામ અને સપાટી સમથળ કરવાની કામગીરી ચાલી રહી છે. આ કન્સ્ટ્રક્શનના કામ દરમિયાન જેસીબી અથવા અન્ય ભારે મશીનરી અડી જવાના કારણે જમીનની નીચેથી પસાર થતી મુખ્ય વોટર સપ્લાયની પાઇપલાઇન તૂટી ગઈ હતી. પાઇપલાઇનનું પ્રેશર વધુ હોવાથી પાણીનો પ્રચંડ ફુવારો છૂટ્યો હતો અને આસપાસનો આખો રોડ જળબંબોળ બની ગયો હતો. વાહનચાલકોને પણ પસાર થવામાં ભારે મુશ્કેલી પડી હતી.
ઘટનાની જાણ સ્થાનિક રહેવાસીઓ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. પાણીનો ધોધ વહી રહ્યો હોવાની ગંભીરતાને સમજીને મનપાના વોટર વર્ક્સ અને હાઇડ્રોલિક વિભાગના લાઇનમેન તેમજ એન્જિનિયરોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. તંત્ર દ્વારા સૌપ્રથમ પાછળથી આવતો પાણીનો સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો, જેથી વધુ વેડફાટ અટકાવી શકાય. ત્યારબાદ જેસીબીની મદદથી નુકસાનગ્રસ્ત લાઈનનું યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. મનપાના અધિકારીઓના જણાવ્યા મુજબ, લાઈન રિપેર કરીને વીજ પ્રવાહ અને પાણી પુરવઠો વહેલી તકે પૂર્વવત કરવા પ્રયાસો હાથ ધરાયા છે.


