રાજકોટ ડિવિઝને ટેકનિકલ ક્ષેત્રે હાંસલ કરી મોટી સિદ્ધિ
રાજકોટ-વિરમગામ સેક્શનમાં અત્યાધુનિક MPLS આધારિત ટ્રેન કંટ્રોલ કમ્યુનિકેશન સિસ્ટમ શરૂ
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલ સંચાર પ્રણાલીના આધુનિકીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતા 26 મે, 2026 ના રોજ રાજકોટ-વિરમગામ સેક્શનમાં વર્તમાન CCEO આધારિત ટ્રેન ટ્રાફિક કમ્યુનિકેશન સિસ્ટમ (TCCS) ને સફળતાપૂર્વક અત્યાધુનિક MPLS-VoIP આધારિત ટ્રેન કંટ્રોલ કમ્યુનિકેશન સિસ્ટમમાં માઇગ્રેટ કરી દીધી છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટેકનિકલ અપગ્રેડેશનની સાથે રાજકોટ-વિરમગામ સેક્શનમાં LSR/LER આધારિત IP-MPLS બેકબોન નેટવર્ક સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યું છે. આ આધુનિક પ્રણાલી રેલ પરિવહનને વધુ સુરક્ષિત, ઝડપી, વિશ્વસનીય અને અસરકારક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત 314.5 કિલોમીટર રેલખંડ અને 35 રેલવે સ્ટેશનોને જોડવામાં આવ્યા છે, જેમાં રાજકોટ-વિરમગામ મુખ્ય રેલખંડ (182 કિમી), વાંકાનેર-નવલખી રેલખંડ (98 કિમી) તથા સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રેલખંડ (34.5 કિમી) શામેલ છે.
રાજકોટ ડિવિઝનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, MPLS નેટવર્કને સેક્શનમાં સફળતાપૂર્વક સ્થિર કરીને સેવામાં કાર્યરત કરી દેવામાં આવ્યું છે. આગામી એક મહિના સુધી તેનું સઘન મોનિટરિંગ કરવામાં આવશે, ત્યારબાદ અન્ય સંચાર સેવાઓને પણ તબક્કાવાર રીતે આ આધુનિક નેટવર્ક પર માઇગ્રેટ કરવામાં આવશે.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે રાજકોટ ડિવિઝન દ્વારા સ્થાપિત આ અત્યાધુનિક MPLS આધારિત સંચાર પ્રણાલી રેલવેના ડિજિટલ અને આધુનિક પરિવહનની દિશામાં એક માઇલસ્ટોન (મીલનો પથ્થર) છે. આ પ્રણાલીથી ટ્રેન કંટ્રોલ સંચાર વધુ ઝડપી, સુરક્ષિત, અવિરત અને વિશ્વસનીય બનશે, જેનાથી પરિવહન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજકોટ ડિવિઝન ભવિષ્યમાં પણ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી સુરક્ષિત, સ્માર્ટ અને શ્રેષ્ઠ રેલ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે નિરંતર પ્રયત્નશીલ રહેશે.
આ અત્યાધુનિક પ્રણાલીની મુખ્ય વિશેષતાઓ:
1) એચડી ક્વોલિટી કોન્ફરન્સ વોઇસ કમ્યુનિકેશન: કંટ્રોલ ઓફિસ અને સ્ટેશન માસ્ટર્સ (SMs) વચ્ચે હવે સ્પીકરફોન તેમજ અત્યાધુનિક ગુઝનેક માઇક્રોફોન (Gooseneck MIC) સુવિધા સાથે હાઇ-ડેફિનેશન (HD) ક્વોલિટીમાં અવિરત વોઇસ કોન્ફરન્સિંગ શક્ય બનશે.
2) કોલર આઇડેન્ટિટી (Caller ID) સુવિધા: સુરક્ષા અને સચોટતાને વધારતા હવે ATNL (આસિસ્ટન્ટ ટ્રેન કંટ્રોલર) તથા સ્ટેશન માસ્ટર્સ (SM) માટે કોલર આઇડીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
3) ટચ સ્ક્રીન કંટ્રોલ કન્સોલ: આ પ્રણાલી ઓપરેટ કરવામાં અત્યંત સરળ છે. ATNL માટે ટચ સ્ક્રીન તેમજ પુશ-બટન આધારિત આધુનિક કંટ્રોલ કન્સોલ યુનિટ લગાવવામાં આવ્યું છે, જેનાથી કાર્ય વધુ સરળ અને ઝડપી બનશે.
4) સ્ટેશન માસ્ટર્સ વચ્ચે સીધો સંપર્ક: ટ્રેન કંટ્રોલરને કોઈપણ ખલેલ પહોંચાડ્યા વિના વિવિધ સ્ટેશનો પર ફરજ બજાવતા સ્ટેશન માસ્ટર્સ (SMs) વચ્ચે પરસ્પર સંપર્ક માટે વધારાની સંચાર સુવિધા પૂરી પાડવામાં આવી છે.


