મોબાઈલ જોઈએ તો 1000 આપો…કહી માલિકોને જ ધમકાવતો ખાનદાની ચોર ઝડપાયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઓડિયો ક્લિપ બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી : 12 ચોરાઉ મોબાઈલ મળી આવ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપ બાદ ચર્ચામાં આવેલા કુખ્યાત મોબાઈલ ચોર વિક્રમ ઉર્ફે ‘ઇટલી’ મનુ મકાણને આખરે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી લોકોના મોબાઈલ ચોરી કર્યા બાદ માલિકોને ફોન કરીને “હું ખાનદાન ચોર છું, મોબાઈલ પાછો જોઈએ તો ₹1000 આપો” કહી રૂપિયા માંગતો હતો. ક્રાઇમ બ્રાન્ચે સિવિલ હોસ્પિટલ ચોક વિસ્તારમાંથી આરોપીને ઝડપી તેની પાસેથી અંદાજે રૂ.56 હજારની કિંમતના 12 ચોરાયેલા મોબાઈલ ફોન કબજે કર્યા છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપી અત્યાર સુધીમાં 1000થી વધુ મોબાઈલ ફોનની ચોરી કરી ચૂક્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, ઇટલી ભીડભાડવાળા વિસ્તારો, હોટેલ, ચાની કીટલી, મોલ તેમજ જાહેર સ્થળોને નિશાન બનાવતો હતો. ખાસ વાત એ હતી કે, મોબાઈલ ચોરી કર્યા બાદ તે ફોન બંધ કરતો નહોતો. મોબાઈલ પર કોલ આવે ત્યારે માલિક સાથે સીધી વાત કરી રૂપિયા માંગતો અને પૈસા મળતા ફોન પરત આપતો હતો. તેની આ સ્ટાઇલને કારણે જ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ બની હતી. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ડી.પી. ઝાલા, હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ડાંગર અને કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ રાણા પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. પૂછપરછમાં તેણે રાજકોટના ધર્મેન્દ્ર રોડ, ભાગ્યલક્ષ્મી હોસ્પિટલ વિસ્તાર ઉપરાંત મોરબી અને જેતલસર રેલવે સ્ટેશન નજીકથી પણ મોબાઈલ ચોરી કર્યા હોવાની કબૂલાત આપી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, જાહેર સ્થળો અને ભીડવાળા વિસ્તારોમાં પોતાના કિંમતી સામાન પ્રત્યે ખાસ સાવચેત રહેવું. કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત જ વીડિયો બનાવી 112 હેલ્પલાઇન પર જાણ કરવા અનુરોધ કર્યો છે.


