વરસાદની છડી! રાજકોટમાં એક જ દિવસમાં તાપમાન 3૭ ડિગ્રી ઘટયું
અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં સવારથી અમી છાંટણા : તા.૧૫ જૂનથી વિધિવત ચોમાસાના આગમનની આગાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પગલે આજે (30 મે) વહેલી સવારથી જ અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં કાળાડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. મેઘરાજાના આ ધમાકેદાર આગમનની સાથે જ વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે.
વરસાદી વાતાવરણને પગલે રાજ્યભરના તાપમાનમાં પારો ગગડ્યો છે, જેમાં ખાસ કરીને રાજકોટના મહત્તમ તાપમાનમાં એકઝાટકે 3.7 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. 43.1 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે તોફાની વાતાવરણ રહેવાની ચેતવણી આપી હોવાથી, ખેડૂતોને પોતાના ઊભા પાક અને ઘાસચારાને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા ખાસ અપીલ કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ ઘટાડો રાજકોટ શહેરમાં જોવા મળ્યો છે, જ્યાં તાપમાન 43.6° સેલ્સિયસથી સીધું 3.7° ઘટીને 39.9°C થઈ ગયું છે. ત્યારબાદ સુરેન્દ્રનગરમાં તાપમાન 44.7°Cથી 3.2°C ઘટીને 41.5°C અને ડીસામાં 42.2°થી 4.1°નો મોટો ઘટાડો થઈને 38.1° સેલ્સિયસ નોંધાયું છે. અમરેલીમાં 2.4°નો ઘટાડો (41.9°થી 39.5°), કંડલા એરપોર્ટ પર 2.4°નો ઘટાડો (40°થી 37.6°) અને કંડલામાં 1.3°નો ઘટાડો (37.8°થી 36.5°) થયો છે.
આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાનમાં હજુ 3થી 5°Cનો ક્રમિક ઘટાડો થવાની શક્યતા છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તા૧૫ જૂનથી ગુજરાતમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થશે.


