બાગેશ્વર ધામના દિવ્ય દરબાર પહેલા વિવાદનો વિસ્ફોટ, ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધી પરસોત્તમ પીપળીયાને મળી ધમકી
પુરુષોત્તમ પીપળીયાનો હુંકાર, શારીરિક રીતે અશક્ત છું, પરંતુ અંધશ્રદ્ધા અને ધર્મના નામે થતા ધતિંગ સામેનો અવાજ બંધ નહીં થાય, ; દરબાર પૂર્વે શહેરમાં ચર્ચા અને પોલીસ તંત્ર એલર્ટ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં આગામી 5, 6 અને 7 જૂન દરમિયાન યોજાનારા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા જ શહેરનું રાજકીય અને સામાજિક વાતાવરણ ગરમાયું છે. કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ એક નવો વિવાદ સામે આવતા સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની કાર્યશૈલી અને તેમના દ્વારા યોજાતા દિવ્ય દરબાર અંગે ખુલ્લેઆમ સવાલો ઉઠાવનાર સામાજિક કાર્યકર પુરુષોત્તમ પીપળીયાને અજાણ્યા શખ્સ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ પુરુષોત્તમ પીપળીયા લાંબા સમયથી ધર્મના નામે થતા ચમત્કારો, અંધશ્રદ્ધા અને વિવિધ બાબાઓના દાવાઓ સામે પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. બાગેશ્વર ધામના રાજકોટ ખાતે યોજાનારા કાર્યક્રમને લઈને પણ તેમણે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા પોતાના સવાલો જાહેર કર્યા હતા. આ દરમિયાન તેમને ધમકીભર્યો સંદેશ મળ્યો હોવાનું સામે આવ્યું છે. ધમકી મળ્યા બાદ પુરુષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “હું શારીરિક રીતે અશક્ત હોઈ શકું છું, પરંતુ માનસિક રીતે સંપૂર્ણ સશક્ત છું. ધર્મના નામે જો કોઈ પ્રકારનું ધતિંગ, અંધશ્રદ્ધા અથવા લોકોની છેતરપિંડી થતી હશે તો તેનો વિરોધ કરવાનું હું બંધ કરીશ નહીં.”
તેમણે વધુમાં લખ્યું હતું કે ધમકીઓ આપીને કોઈ વ્યક્તિને ચૂપ કરાવી શકાય નહીં અને લોકશાહી દેશમાં દરેક નાગરિકને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે. તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી અને અનેક લોકોએ તેમના સમર્થનમાં પ્રતિસાદ પણ આપ્યા હતા.
આ સમગ્ર ઘટનાને લઈને હવે રાજકોટમાં એક નવો પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે કે પુરુષોત્તમ પીપળીયાને ધમકી આપનાર અજ્ઞાત શખ્સ કોણ છે? શું તે કોઈ વ્યક્તિગત સ્તરે અપાયેલી ધમકી છે કે પછી કોઈ સંગઠિત જૂથ સાથે તેનો સંબંધ છે? આ સવાલો હાલ શહેરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યા છે.
બીજી તરફ, બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે તેવી શક્યતા હોવાથી પોલીસ અને પ્રશાસન પહેલાથી જ સુરક્ષા વ્યવસ્થાઓને લઈને સજ્જ બન્યું છે. હવે ધમકીના આ વિવાદ બાદ સમગ્ર મામલે પોલીસ તંત્ર પણ વધુ સતર્ક બન્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
દરમિયાન, કાર્યક્રમને લઈને સમર્થકો અને વિરોધીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર ચર્ચા અને ટિપ્પણીઓનો માહોલ પણ ગરમાયો છે. દિવ્ય દરબાર શરૂ થાય તે પહેલાં જ ઊભા થયેલા આ વિવાદે રાજકોટમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક સ્તરે નવી ચર્ચાને જન્મ આપ્યો છે. હવે ધમકીના મામલે કોઈ સત્તાવાર ફરિયાદ થાય છે કે નહીં અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
વિજ્ઞાન જાથા દ્વારા દિવ્ય દરબારના વિરોધમાં સુત્રોચ્ચાર
રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં તા. ૫ થી ૭ જુન સુધી સનાતન હનુમંત કથાના બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનો ભારત જન વિજ્ઞાન જાથા સખત શબ્દમાં વખોડી નિંદા કરી છે. રાજયમાં ત્રણ દિવસ ગામડે ગામડે દિવ્ય દરબારનો વિરોધ કરી સુત્રોચ્ચાર કરવા અપીલ કરવામાં આવે છે. વિરોધ કાર્યક્રમનો અમલ કરી બાબા ધિરેન્દ્ર શાસ્ત્રી વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિજ્ઞાન જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ મિટીંગમાં જણાવ્યું કે સનાતન હનુમંત કથાનો કદાપિ વિરોધ નથી. દિવ્ય દરબારમાં વગર મેડીકલ લાયસન્સે કેન્સર, અસાધ્ય રોગ, માનસિક બિમારીનો દાવો બેબુનિયાદ છે. પર્ચી કાઢવી, દિવ્ય શક્તિથી જાણી નામવાળા વ્યક્તિને બોલાવવા વિગેરે તૂત છે. માઈન્ડ રીડીંગ, પ્લાનીંગ, વિજ્ઞાન ટેકનોલોજીની મદદ ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવે છે. પોતાના માણસોને ગોઠવી લોભ-પ્રલોભનના ભાગરૂપે કરવામાં આવે છે. નિર્દોષ, ભોળા શ્રદ્ધાળુ લોકોને ગુમરાહ કરવામાં આવે છે. પર્ચી ધોખેબાજીથી સિવાય કશું જ નથી. ધિરેન્દ્ર શાસ્ત્રીએ દેશમાં આકસ્મિક હાદસા, હોનારત, વિમાન અકસ્માત, વગેરે એકપણ બાબતે દિવ્ય શક્તિનો ઉપયોગ કર્યો નથી કે સાવધાની રાખવાનું બોલ્યા નથી. આગોતરી જાણકારી આપી નથી તેનો મતલબ બાબા ઢોંગી છે. પોતાની પ્રસિદ્ધિ અને રાજકીય ઈશારે કાર્યક્રમો આપવા, તેનો પ્રચાર કરવો, હિન્દુ-મુસલમાનોની ખોટી ઉપજાવી વાતો કરી અંદરો–અંદર દહેશત, ભાગલા પાડવાનું કામ કરે છે. મોંઘવારી, બેરોજગારી, ગરીબાઈના પ્રશ્નો, રોજબરોજની સમસ્યાને આડે પાટે ચડાવી પોતાની સાથે રાજકીય પક્ષના હિત માટે કામ કરે છે તેનું જાથાને દુઃખ છે.


