₹26.80 કરોડના ખર્ચે ભક્તિનગર સ્ટેશનનો કાયાકલ્પ, મુસાફરોને મળશે વિશ્વસ્તરીય સુવિધાઓ
મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે મીડિયા પ્રતિનિધિઓને પુનઃવિકસિત સ્ટેશનનું નિરીક્ષણ કરાવ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે આજે રાજકોટ ડિવિઝનના ભક્તિનગર રેલવે સ્ટેશન પર મીડિયા પ્રતિનિધિઓ સાથે સંવાદ કરીને ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત તાજેતરમાં પૂર્ણ થયેલા પુનઃવિકાસ કાર્યોની વિગતવાર માહિતી આપી હતી. આ દરમિયાન તેમણે મીડિયા પ્રતિનિધિઓને સ્ટેશન પરિસરનું નિરીક્ષણ કરાવ્યું હતું તેમજ મુસાફરો માટે વિકસાવવામાં આવેલી આધુનિક સુવિધાઓ અને વિવિધ પેસેન્જર સુવિધાઓથી માહિતગાર કર્યા હતા.
રાજકોટ શહેરની મધ્યમાં આવેલું ભક્તિનગર રેલવે સ્ટેશન સૌરાષ્ટ્ર વિસ્તારનું એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને વ્યાપારી રેલ કેન્દ્ર છે. મુસાફરોની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આ સ્ટેશનનું વ્યાપક આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ કુલ ₹26.80 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં સ્ટેશનના વિકાસ માટે ₹11.81 કરોડ અને ફૂટ ઓવર બ્રિજના નિર્માણ માટે ₹14.99 કરોડની રકમ સામેલ છે. દૈનિક આશરે 4,700 મુસાફરોની અવરજવર ધરાવતા આ સ્ટેશનના પુનઃવિકાસથી મુસાફરોને આધુનિક, સુરક્ષિત અને વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે.
ભક્તિનગર સ્ટેશન પર પૂર્ણ થયેલા મુખ્ય કાર્યોમાં પ્લેટફોર્મ નંબર 1 પર કોટા સ્ટોન ફ્લોરિંગ અને પ્લેટફોર્મ નંબર 2 તથા 3 પર વધારાના કવર શેડની સ્થાપના સામેલ છે. સ્ટેશન બિલ્ડિંગને આધુનિક એસીપી ક્લેડિંગ સાથે આકર્ષક દેખાવ આપવામાં આવ્યો છે તેમજ મુસાફરોની સુવિધા માટે અલગ-અલગ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ (પ્રવેશ અને નિકાસ દ્વાર) વિકસાવવામાં આવ્યા છે. આશરે 8,600 ચોરસ ફૂટ વિસ્તારમાં સ્ટેશન બિલ્ડિંગનું અપગ્રેડેશન અને 2,760 ચોરસ ફૂટમાં વિશાળ કોનકોર્સ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મુસાફરોની સુવિધા માટે મહિલા અને પુરૂષ મુસાફરો માટે અલગ-અલગ એર-કંડિશન્ડ (AC) પ્રતીક્ષાલય, આધુનિક વીઆઈપી રૂમ અને અદ્યતન શૌચાલય સુવિધાઓ વિકસાવવામાં આવી છે. સ્ટેશન પરિસરમાં આધુનિક સાઈનેજ અને વે-ફાઈન્ડિંગ (દિશા-સૂચક) સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. બહેતર લાઈટિંગ અને વેન્ટિલેશનની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સ્ટેશન પરિસરને હરિયાળું અને આકર્ષક બનાવવા માટે આશરે 25,685 ચોરસ ફૂટ વિસ્તારમાં ગાર્ડન અને સર્ક્યુલેટિંગ એરિયા વિકસાવવામાં આવ્યો છે. મુસાફરો માટે ટેન્સાઈલ રૂફ પોર્ચ, ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહનો માટે બહેતર પાર્કિંગ વ્યવસ્થા તેમજ દિવ્યાંગજનો માટે સમર્પિત પાર્કિંગ સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે.
આ ઉપરાંત સ્ટેશન પર દિવ્યાંગ-અનુકૂળ રેમ્પ, ટેક્ટાઈલ ટાઈલ્સ અને આધુનિક મોડ્યુલર શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જળ વ્યવસ્થાપન પ્રણાલી અંતર્ગત 1 લાખ લીટરની ક્ષમતાનો અંડરગ્રાઉન્ડ વોટર સમ્પ (ભૂગર્ભ ટાંકો) અને 50,000 લીટરની ક્ષમતાની ઓવરહેડ આરસીસી ટાંકી પણ બનાવવામાં આવી છે.
ભક્તિનગર સ્ટેશન પર મુસાફરોની અવરજવરને વધુ સુગમ બનાવવા માટે 12 મીટર પહોળા મુખ્ય ફૂટ ઓવર બ્રિજ અને વેરાવળ તરફ 3.66 મીટર પહોળા વધારાના ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. મુસાફરોની સુવિધા માટે બંને ફૂટ ઓવર બ્રિજ પર આધુનિક લિફ્ટ લગાવવાની કામગીરી પ્રગતિમાં છે.
આ પ્રસંગે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે, “અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ભક્તિનગર સ્ટેશનનો પુનઃવિકાસ મુસાફરોને આધુનિક, સુરક્ષિત અને વિશ્વસ્તરીય પ્રવાસનો અનુભવ પુરો પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સ્ટેશન પર વિકસાવવામાં આવેલી નવી સુવિધાઓ મુસાફરોની સરળતા, સુરક્ષા અને આરામને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ પુનઃવિકાસ માત્ર રેલ મુસાફરોને જ બહેતર સુવિધાઓ પૂરી પાડશે નહીં, પરંતુ રાજકોટ અને સૌરાષ્ટ્ર ક્ષેત્રના સામાજિક અને આર્થિક વિકાસને પણ નવી ગતિ આપશે.”


