વિદ્યાર્થીઓ માટે કોંગ્રેસ દ્વારા કરાયું કારકિર્દીના ઉંબરે પુસ્તકનું વિમોચન
મહામંત્રી અને પ્રદેશ પ્રમુખ સહિતના અગ્રણીઓએ પુસ્તક અંગે માર્ગદર્શન આપ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ માટે પથદર્શક બનતું પુસ્તક ‘કારકિર્દીનાં ઉંબરે’ ની ૨૧મી આવૃત્તિનું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનીક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિત વરિષ્ઠ મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનીકજી એ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના સશક્તિકરણનું સૌથી મોટું માધ્યમ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી, જેઓ છેલ્લા ૩૦ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સનિષ્ઠતાથી જોડાયેલા છે ડૉ. મનીષ દોશી અને તેમના સહયોગી દ્વારા સતત ૨૧ વર્ષથી પ્રતિબદ્ધતા સાથે આ પુસ્તકનું પ્રકાશન કરવું એ માત્ર એક પુસ્તક નથી, પરંતુ ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્યને સાચી દિશા આપતો સેવાયજ્ઞ છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પછી કારકિર્દી ઘડતરની અનેક તકો ઉપલબ્ધ છે ત્યારે કોંગ્રેસ પક્ષ રાજનીતિની સાથે સમાજની પ્રગતિ, સમૃધ્ધિ અને સશક્તિકરણ માટે રચનાત્મક કાર્ય કરતો રહ્યો અને ભારતના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહ્યો છે.
કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અમિત ચાવડાએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ છેલ્લા બે દાયકાથી આ પુસ્તકના માધ્યમથી ગુજરાતના સરહદી અને ગ્રામીણ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસ પક્ષની યુપીએ સરકારે “શિક્ષણના મુળભૂત અધિકાર” અપાવ્યો હતો પરંતુ તેનો અયોગ્ય અમલીકરણને પગલે વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતરને અવરોધે છે. ગુજરાતના વાલી – વિદ્યાર્થીઓ અથાક મહેનત – પરિશ્રમ કરી સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. ત્યારે રાજ્ય સરકારની જવાબદારી બને છે કે ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્યને કેન્દ્રસ્થાને રાખીને કામગીરી કરે. મોંઘીદાટ કેરિયર કાઉન્સિલિંગ ફી ન ભરી શકતા પરિવારો માટે આ પુસ્તક વરદાનરૂપ છે. ડૉ. મનીષ દોશી અને તેમના સહયોગીની આ અવિરત સેવાયાત્રા અભિનંદનને પાત્ર છે.
‘કારકિર્દીનાં ઉંબરે’ ધો.૧૦ અને ૧૨ પછી શું? પુસ્તકનાં વિમોચન કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ, એ.આઈ.સી.સી. મંત્રી રામકિશન ઓઝા, ઉપપ્રમુખ નીશીત વ્યાસ, અને બિમલ શાહ, મીડિયા કો-કન્વીનર હેમાંગ રાવલ, પ્રદેશ પ્રવક્તા ડૉ.હિરેન બેન્કર, ડૉ.પાર્થિવરાજસિંહ કઠવાડિયા, રત્નાબેન વોરા, એસ.એ.કાદરી સહિતના અગ્રણીઓ પુસ્તક વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
પુસ્તકની મુખ્ય વિશેષતાઓ અને ઉપયોગીતા:
- વિદ્યાર્થીઓની સરળતા માટે તમામ કોર્ષની વિગતો ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
- કારકિર્દી પસંદગી માટે કયા માપદંડ અને કઈ રીતે કારકિર્દી પસંદ કરવી તેનો કેરિયર પાથ
- સાયન્સ, આર્ટસ અને કોમર્સ પ્રવાહમાં કેવા-કેવા કોર્ષ ઉપલબ્ધ છે અને તે ચોક્કસ ક્ષેત્રમાં આગળ વધવા માટે વિદ્યાર્થીમાં કઈ સ્કીલ (કૌશલ્ય) હોવી જરૂરી છે તેની વિગતવાર માહિતી.
- વિવિધ કોલેજો, ઉપલબ્ધ કોર્ષ, જે-તે કોર્ષમાં બેઠકોની સંખ્યા, વિવિધ સરકારી સ્કોલરશીપ (શિષ્યવૃત્તિ) અને એજ્યુકેશન લોન (શૈક્ષણિક લોન) મેળવવાની પ્રક્રિયા સહિતની તમામ પાયાની વિગતોનો સમાવેશ.


