બંધ મકાનમાં તસ્કરોનો ત્રાટક: કોટડાસાંગાણીમાં 10 લાખની ચોરીથી ખળભળાટ
તાળા તોડી ઘરમાં ઘૂસેલા ચોરોએ દાગીના અને રૂ. 45 હજારની રોકડ ઉઠાવી; સામાન વેરવિખેર કરી ફરાર
અગ્ર ગુજરાત, રાજકોટ
કોટડાસાંગાણી શહેરમાં ચોરીની વધુ એક મોટી ઘટના સામે આવતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. ગોંડલ રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની માલમત્તા પર હાથફેરો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
માહિતી મુજબ, સરકારી ક્વાર્ટરની બાજુમાં આવેલા ઉપેન્દ્રભાઈ ઠાકરના નિવાસસ્થાને તસ્કરો તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા. ઘરમાં પ્રવેશ્યા બાદ ચોરોએ દરેક રૂમની તલાશી લેતાં ઘરનો સામાન અસ્તવ્યસ્ત કરી નાખ્યો હતો. ચોરીને અંજામ આપ્યા પછી તેઓ સોના-ચાંદીના દાગીના તેમજ રૂ. 45 હજારની રોકડ રકમ સહિત અંદાજે રૂ. 8થી 10 લાખનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા.
ચોરીની જાણ થતાં આસપાસના રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. દિવસદાટે વધતી ચોરીની ઘટનાઓને કારણે લોકોમાં અસુરક્ષાની લાગણી વધી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.
પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ સહિત વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિકોએ પણ શહેરમાં પેટ્રોલિંગ વધારવા અને ચોરીના બનાવોને અટકાવવા વધુ કડક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે.


