માલધારીઓના સ્ટેટસ મુદ્દે ભારે ગરમાવો
ગીર જંગલમાં માલધારી વિવાદમાં જ્વાળ રજૂ કરવા અમરેલી કલેક્ટરનો DCFને આદેશ
રાજભા ગઢવીને મળેલી મંજૂરીથી ચગેલું પ્રકરણ: ધારાસભ્ય ઈટાલીયાએ પણ ઝંપલાવ્યું: જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિમાં DCFને હાજર રહેવા કલેક્ટરની સુચના
અગ્ર ગુજરાત, અમરેલી
લોકસાહિત્યકાર રાજભા ગઢવીને અમરેલી જિલ્લામાં આવેલ ધારીગીર જંગલમાં માલધારી તરીકે રહેવાની મંજૂરી આપવાના મામલે હવે નવો વળાંક આવ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા તેમજ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા મેદાનમાં આવ્યા છે જેના કારણે અમરેલી જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની આગામી બેઠકમાં માલધારીઓના મુદ્દે ભારે ગરમાવો આવવાની શક્યતા છે.
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ગીર અભયારણ્યના માલધારીઓના કાયમી વસવાટ અને નેસડાના પ્રશ્નો અંગે સત્તાવાર જવાબ માંગ્યો છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને અમરેલી કલેક્ટરે પણ ગીર પૂર્વના DCF વિકાસ યાદવ પાસે તાત્કાલિક અને વિગતવાર જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. એટલું જ નહીં, ગીર પૂર્વના DCFને આ મુદ્દે બેઠકમાં રૂબરૂ જવાબ આપવા માટે બોલાવવામાં આવ્યા છે.
ગીર અભયારણ્ય જંગલના જે માલધારીઓ ભૂતકાળમાં જંગલ બહાર ગયા હોય અને હાલમાં જંગલમાં નેસમાં કાયમી વસવાટ કરવા માંગતા હોય, તેવી છેલ્લા 3 વર્ષમાં રેન્જ વાઇઝ કુલ કેટલી અરજીઓ મળી? 2. મળેલી અરજીઓમાંથી કુલ કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી, કેટલી નામંજૂર થઈ અને કેટલી અરજીઓ હજુ પણ અનિર્ણિત છે? 3. જંગલના નેસમાં વસવાટ કરવાની મંજૂરી મેળવવા માટેના ચોક્કસ નિયમો અને માપદંડો શું છે? સરકારની નીતિ સ્પષ્ટ કરો. 4. રાજભાના કાકા હરસુરભાઈ કરશનભાઈ ઢાન્ટા અને રાજાભાઈ ગોવિંદભાઈ ઢાન્ટા મૂળ વતન લીલાપાણી નેસમાં કુલ કેટલા પશુઓ અને કેટલી વ્યક્તિઓ સાથે વસવાટ કરવાની પરવાનગી આપવામાં આવી છે? તેવા સવાલો ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા છે.
ગોપાલ ઈટાલિયા દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોએ વહીવટી તંત્ર અને વન વિભાગમાં દોડધામ મચાવી દીધી છે. એક તરફ જંગલના કડક નિયમો અને બીજી તરફ પરંપરાગત માલધારીઓના અધિકારોનો મુદ્દો છે. રાજભા ગઢવીના પરિવારને મળેલી મંજૂરીના આધારે અન્ય માલધારી પરિવારો માટે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. માલધારીઓના હક અને જંગલના નિયમો વચ્ચે ચાલી રહેલી આ લડાઈ આગામી દિવસોમાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.અમરેલી જિલ્લા સંકલન સમિતિની આ બેઠક આગામી 20 જૂને મળવાની શક્યતા છે.
ગીરના સિંહોની સલામતીના સરકાર ઘણા દાવા કરે છે. પણ કલાકારોની વગ સામે અધિકારીઓ કેવી રીતે નતમસ્તક થઈને જાય છે અને ગીરની સુરક્ષા માટે બનાવેલા નિયમોને નેવે મૂકી દેવાય છે તેનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. જાણિતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી આ વિવાદના કેન્દ્રમાં છે.


