ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગામડાઓમાં ૨૦ હજારથી વધુ ચેકડેમ-તળાવનું નિર્માણ
વરસાદી પાણી બચાવવાનું ચાલતું ભગીરથ કાર્ય: ગ્રામ્ય વિસ્તારમાં અભિયાનને મળેલો બહોળો પ્રતિસાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
વડાપ્રધાનના જળ સંચય અને જનભાગીદારીના આહવાનને શિરોધાર્ય કરીને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧,૧૧,૧૧૧ (એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર) જળ સંકલ્પ લેવામાં આવ્યા છે. અને અત્યાર સુધીમાં નાના મોટા ૨૦,૦૦૦ + સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયેલ છે. આ લોકઉપયોગી કાર્યને વેગ આપવા અને તેની યોગ્ય નોંધ લેવાય તે હેતુથી સરકાર દ્વારા એક વિશેષ સરકારી પોર્ટલ ફાળવવામાં આવ્યું છે, તેમજ સંસ્થા સાથે વિધિવત MoU (સમજુતી કરાર) કરવામાં આવ્યા છે.
જનભાગીદારી દ્વારા ગામડાઓમાં થતા જળ સંચયના કાર્યો માટે ગ્રામજનોની જ એક સ્થાનિક કમિટી બનાવવામાં આવે છે. પાણીના કાર્યો માટે જે ભંડોળ એકત્ર થાય છે, તે સમિતિ દ્વારા તે જ ગામના વિકાસ કાર્યમાં વાપરવામાં આવે છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આ લોક-ભંડોળમાંથી એક પણ રૂપિયો પોતાના વહીવટ કે અન્ય ખર્ચ માટે લેતું નથી. સંપૂર્ણ પ્રક્રિયા ૧૦૦% પારદર્શક છે. વરસાદના પાણી સાથે ખેતરની જે ફળદ્રુપ માટી વહીને ડેમ, ચેકડેમ, નદી કે તળાવમાં જમા થઈ ગઈ છે, તેને મશીનરી દ્વારા બહાર કાઢીને પુનઃ ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવે છે. આનાથી એક તરફ ડેમ અને તળાવો ઊંડા થતાં પાણીની સંગ્રહ ક્ષમતામાં મોટો વધારો થાય છે, અને બીજી તરફ ખેતરોને પોતાની જ કુદરતી ફળદ્રુપ માટી પાછી મળતા ખાતર વગરની ઓર્ગેનિક (પ્રાકૃતિક) ખેતીને મોટો વેગ મળે છે.
રાજકોટ શહેરમાં વીર-વીરુ અમૃત સરોવર, લાખાણી સરોવર, જીબિયા સરોવર, રોલેક્ષ સરોવર, પાબારી સરોવર, ટર્બો સરોવર જેવા અનેક સરોવર નું નિર્માણ કરી ચુક્યા છીએ. દ્વારા લાખો લોકોને આજે પણ વરસાદી પાણીનો લાભ મળી રહ્યો છે. જેમાં વીર-વીરુ ની સામે રહેતા ૧૧૨૫ પરિવારને ટેન્કરથી કોર્પોરેશન પાણી આપતું હતું જે છેલ્લા વર્ષોથી બંધ છે.
રાજકોટ, અમરેલી, ભાવનગર,પાલીતાણા,જુનાગઢ,જામનગર, અરવલી, મોડાસા, સુરેન્દ્રનગર આ જીલ્લાના કાર્યોમાં પાણીનું સ્તર ઉપર આવ્યું છે અને પાલીતાણા નું ટોડી અને હીરાબા સરોવરમાં પાણીનું વહેણ આજે પણ ચાલુ છે.


