ખેડૂતોના અન્યાયના વિરોધમાં તા.૧૫મીએ ગાંધીનગર સુધી ટ્રેકટર રેલીનું એલાન
મોરબીના જેતપર ગામમાં વીજપોલ વળતર સહિતના મુદ્દે કોંગ્રેસ અને કિસાન સંઘની સભા યોજાઇ : સરકાર સામે લડી લેવાનો હૂંકાર
અગ્ર ગુજરાત, મોરબી
મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર મુદ્દે 7 જૂનની રાત્રે ખેડૂતોની જાહેર સભા યોજાઈ હતી. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસની આગેવાની હેઠળ આ સભામાં ખેડૂતોએ ખાનગી કંપનીઓ દ્વારા અપૂરતા વળતર સામે વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતોનો મુખ્ય વિરોધ એ છે કે, ખાનગી કંપનીઓ તેમના ખેતરોમાંથી વીજ લાઈનો પસાર કરી રહી છે અને વીજપોલ ઉભા કરી રહી છે. પરંતુ, તેમને પૂરતું વળતર ચૂકવવામાં આવતું નથી. વળતર ચૂકવ્યા વગર કામગીરી થતી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બે દિવસ અગાઉ જેતપર ગામે કંપનીના માણસો વળતર વિના વીજપોલ ઉભા કરવા આવ્યા ત્યારે, ખેડૂતોએ તેમને કામ કરવા દીધું ન હતું. જેના કારણે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.
સભામાં જેતપરના ખેડૂત આગેવાન મેહુલ અમૃતિયાએ માગ કરી હતી કે, વીજપોલ અને વીજ વાયર પસાર થતાં કોરિડોર માટે પહેલાં વળતર ચૂકવવામાં આવે અને પછી જ કામ શરૂ કરવામાં આવે. તેમણે 180-280 અસરગ્રસ્ત ખેડૂતને પૂરતા પ્રમાણમાં વળતર આપવાની પણ માગ કરી હતી.
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના કન્વીનર પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણી મૂકવામાં આવશે. જંત્રી દરના ચાર ગણા વળતર, અથવા પ્રતિ વીજપોલ દર મહિને ₹30,000 ભાડું, અથવા વન-ટાઇમ સેટલમેન્ટ તરીકે પ્રતિ વીજપોલ ₹2 કરોડ.
આગામી 15મી તારીખે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા અમદાવાદથી ગાંધીનગર સુધી એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પાલભાઈ આંબલિયાએ જેતપર સહિત સમગ્ર મોરબી જિલ્લાના ખેડૂતોને આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી હતી.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની જમીન માત્ર મિલકત નથી, પરંતુ તેમના પરિવારની આજીવિકા, જીવનભરની મૂડી અને બાપદાદાની વારસાગત સંપત્તિ છે. કોઈપણ અધિકારી અથવા ખાનગી કંપની ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે તેમની જમીનમાં થાંભલા ઊભા કરી શકે નહીં. જમીન પર થનારી અસરો અને તેના વળતર અંગે ખેડૂતોની વાત સાંભળવી અને તેમને ન્યાય આપવો એ સરકારની જવાબદારી છે.


