જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા ૨૨ વર્ષ પૂર્ણ થતાં મેગા ચેકઅપ કેમ્પ યોજાયો
950 જેટલા બાળકોને ત્રણ મહિના ચાલે તેવી સાયનોકેર ગ્લુકોમીટર, સ્ટ્રીપ્સ, પેન નીડલ , સિરિંજ અને લાન્સેટ સહિતની અંદાજે 3000ની કિંમતની મેડિકલ કીટ વિતરણ
JDF પ્રયાસોથી ટાઈપ-૧ ડાયાબિટીસ ધરાવતા 47 થી વધુ કપલ્સ (94 બાળકો) લગ્નગ્રંથિથી જોડાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
છેલ્લા 22 વર્ષોથી નિઃ સ્વાર્થ ટાઈપ-1 ડાયાબિટીસથી પીડિત બાળકો માટે કામ કરતી જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેનો 2400થી વધુ બાળકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે આર્ષ વિદ્યા મંદિર (મુંજકા) ના સંસ્થાપક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ આધ્યાત્મિક ગુરુવર્ય પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજે વિશેષ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે અપુલભાઈ દોશી અને તેની ટીમને પરમ યોગી ગણાવતા જણાવ્યું હતું કે, જે વ્યક્તિ બીજાના દુઃખે દુઃખી થઈને તેની વહારે આવે છે તે જ સાચો યોગી છે. તેમણે ઉમેર્યું કે ડાયાબિટીસ ભલે પ્રારબ્ધનો રોગ હોય, પરંતુ યોગ્ય મેનેજમેન્ટ, સંયમિત આહાર અને કસરત દ્વારા ગુણવત્તાસભર લાંબુ આયુષ્ય જીવી શકાય છે. સ્વામીજીએ યોગ્ય સ્તરે જુવેનાઈલ ડાયાબિટીસ માટે યોગ્ય સરકારી પોલિસી બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી.
JDF ના મેનેજિંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશીએ સંસ્થાની ૨૨ વર્ષની સંઘર્ષગાથા અને પ્રવૃત્તિઓનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, આજે સંસ્થા સાથે ૨૪૦૦થી વધુ બાળકો જોડાયેલા છે. ટાઈપ-૧ ડાયાબિટીસ ખૂબ જ ખર્ચાળ અને પીડાદાયક બીમારી છે, જેમાં માસૂમ બાળકોને દિવસમાં ૩ થી ૫ વખત ઇન્સ્યુલિનના ઇન્જેક્શન અને એટલી જ વાર સુગર ચેક કરવા માટે સોયની પીડા સહન કરવી પડે છે. પરિવારો પરથી આ આર્થિક બોજો હળવો કરવા સંસ્થા અવિરત પ્રયત્નશીલ છે. આ પ્રસંગે તેમણે જાહેરાત કરી હતી કે ગઈકાલ અને આજ દરમિયાન નોંધાયેલા અંદાજે ૯૫૦ જેટલા બાળકોને ત્રણ મહિના ચાલે તેવી અદ્યતન સાયનોકેર ગ્લુકોમીટર, તેની સ્ટ્રીપ્સ, પેન નીડલ , સિરિંજ અને લાન્સેટ સહિતની અંદાજે ₹૩,૦૦૦ ની કિંમતની મેડિકલ કીટ ભેટ સ્વરૂપે નિઃશુલ્ક આપવામાં આવી છે. અપુલ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં 2400 બાળકોને ટાઈપ-1 ડાયાબિટીસ છે. આ સંસ્થામાં નાનામાં નાનું 9 માસનું બાળક છે. 20થી 25 બાળકોની કિડની ફેલ્યોર છે અને ડાયાલિસિસ ચાલુ છે. અગાઉ 20000 બાળકોએ એક બાળકને ટાઇપ-1 ડાયાબિટીસનો રેશિયો હતો. આજે 1000 એ એક બાળક ટાઇપ 1 ડાયાબિટીસવાળા છે. અમે એક મેટ્રિમોનિયલ ગ્રૂપ ચલાવીએ છીએ. 47 બાળકોને 94 કપલ બનાવ્યા છે. અમારી રાજકોટ મનપા પાસે 1000 ચોરસ મીટર જમીન માંગેલી છે. અમને લીઝ ઉપર આપવા વિનંતી છે. જ્યાં બાળકો માટે એજ્યુકેશન અને રિસર્ચ સેન્ટર બનાવવા માંગીએ છીએ તો જમીનની અરજી તાત્કાલિક મંજૂર કરવામાં આવે.
જેડીએફ સંસ્થાના પ્રેરણારૂપ એવા કમલનયનભાઈ સોજીત્રા (ફાલ્કન પંપ) એ માતાઓની હિંમતને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંસ્થાનો મુખ્ય સંકલ્પ બાળકોને શારીરિક, માનસિક અને આર્થિક રીતે મજબૂત કરી દેશના સક્ષમ નાગરિક બનાવવાનો છે. બાળકોના શિક્ષણ, રોજગાર અને મેટ્રીમોનિયલ (લગ્ન) માટે સંસ્થા સંપૂર્ણ જવાબદારી ઉઠાવી રહી છે અને અત્યાર સુધીમાં ૪૭થી વધુ કપલ્સ (૯૪ બાળકો) લગ્નગ્રંથિથી જોડાઈને સુખી સંસાર જીવી રહ્યા છે. વધુમાં તેમણે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે થયેલી હકારાત્મક બેઠક વિશે માહિતી આપી હતી કે સરકારે રાજકોટ શહેરમાં સંસ્થાના રિસર્ચ અને એજ્યુકેશન સેન્ટર ભવન માટે 1000 ચોરસ મીટર જમીન ટોકન દરે લીઝ પર આપવાની પ્રક્રિયાને ગતિ આપી છે.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત એન્ડોક્રિનોલોજિસ્ટ ડો. નીલેશ દેત્રોજા, ડો. પંકજ પટેલ, ડો. સાગર બરાસરા, ડો. તપન પારેખ, ડો. કૌશલ શેઠ, ડો.બ્રિજ તેલી, ડો. ક્રિષ્ના મોરી , ડો. ચેતન દવે અને તેમની ટીમ દ્વારા બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું તેમજ ડાયરી મેન્ટેનન્સ અને ગ્લુકોમીટર ઓપરેટ કરવાનો ટેકનિકલ વીડિયો પણ દર્શાવાયો હતો. આ કાર્યક્રમ ના સફળ આયોજન બદલ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અપુલ દોશી અન્ય ટ્રસ્ટીગણ હરિકૃષ્ણ પંડ્યા, રોહિતભાઈ કાનાબાર, અમિતભાઈ દોશી અને મિતેશભાઈએ સમગ્ર વ્યવસ્થા સંભાળી રહેલા પારસભાઈ દોશી, જેનિષભાઈ કાંજિયા, મૈત્રી દોશી, ઋષિલ દવે, કાજલ ઢોલરીયા, રાહુલ રાઠોડ, ચંદ્રેશ સાંકળિયા, મિહિર સાકરીયા, જીગ્નેશ સીતાપરા, પાર્થ સચદે સહિતના ૧૦૦થી વધુ સ્વયંસેવકો (વોલન્ટિયર્સ) નો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં પ્રકાશભાઇ કોઠારી તરફથી ૧૧૦૦૦/- , રશ્મિકાંતભાઈ રાજા તરફથી ૧૧૦૦૦/-, મુકેશભાઇ જલુ રિયલ ફ્લાવર તરફથી ૨૧૦૦૦/-, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા ૨૫૦૦૦/-, કાંતિભાઈ મજેઠિયા તરફથી ૫૧૦૦૦/-, અરુણકાંતભાઈ ચોકસી તરફથી ૫૧૦૦૦/- તેમજ ડૉ. વેકરિયા દ્વારા ૫૧૦૦૦/-, શામજીભાઇ રૈયાણી તરફથી ૫૧૦૦૦/- અને ડૉ. ચેતનભાઈ મહેતા દ્વારા ૭૫૦૦૦/- જેટલું માતબર ડોનેશન સંસ્થાને અર્પણ કરવામાં આવ્યું તેમજ દીપકભાઈ કારિયા – બેસ્ટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને જયેશભાઈ મહેતા- મિલી પ્લાયવૂડ દ્વારા એક એક બાળકને એક વર્ષ માટે દત્તક લેવામાં આવ્યું હતું.
સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા ઉમદા સહયોગ અને મહત્વની જાહેરાતો
- પરેશભાઈ પીપળિયા (ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી – રાજકોટ મહાનગરપાલિકા) સંસ્થાને કોર્પોરેશન તરફથી તમામ વહીવટી અને જમીન સંબંધી પ્રક્રિયામાં ઝડપી મદદ કરવાની ખાતરી આપી હતી.
- અમૃતભાઈ ગઢિયા (પ્રમુખ, શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન) ઉદ્યોગ જગત તરફથી સીએસઆર (CSR) ફંડ અને રોજગારી ક્ષેત્રે કાયમી સહયોગની ખાતરી આપી હતી.
- જયેશભાઈ ઉપાધ્યાય (બોલબાલા ટ્રસ્ટ) JDF ના બાળકો માટે સંપૂર્ણ સ્પોન્સર્ડ ‘રાજકોટ દર્શન પ્રવાસ’, શિયાળામાં ‘રમતોત્સવ’, રંગારંગ ડાન્સ પ્રોગ્રામ તેમજ વાલીઓ-બાળકો માટે નિઃશુલ્ક કૌશલ્ય વર્ધક (સીવણ, બ્યુટી પાર્લર, નેલ આર્ટ વગેરે) કોર્સ કરાવવાની મોટી જાહેરાતો કરી હતી.
- અશ્વિનભાઈ અને વર્ષાબેન (કેન્સર કેર ફાઉન્ડેશન): JDF ના સક્ષમ ટાઈપ-૧ બાળકોમાંથી પસંદગી પામેલા બાળકોને ‘એવરેસ્ટ બેઝ કેમ્પ’ ના ટ્રેકિંગ પ્રવાસ પર સંપૂર્ણ ખર્ચે લઈ જવાની જાહેરાત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું.


