મોરબીના અણીયારી ટોલનાકે જગતાતનું વિરોધ પ્રદર્શન
મંત્રી અમૃતિયાના ગામના ખેડૂતો પર પોલીસનો બળપ્રયોગ
વીજલાઇનના પ્રશ્નો નિરાકરણ નહી આવતા ખેડૂતોએ હાઇવે પર કર્યો ચક્કાજામ : કલાકો સુધી ચાલેલા વિરોધને ખાળવા પોલીસે બળપ્રયોગ કરી હાઇ-વે ફરી શરૂ કરાવ્યો : સતત ચોથા દિવસે પ્રતિકાર કરતા ખેડૂતોની અટકાયત કર્યા બાદ મુકત કરી દેવાયા
અગ્ર ગુજરાત, મોરબી
મોરબી પંથકમાં વીજલાઇનના કામને લઇને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સતત પ્રતિકાર કરવા છતા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહી આવતા રાજયના મંત્રી કાંતિભાઇ અમૃતિયાના વતન જેતપરના ખેડૂતો દ્વારા અણીયારી ટોલનાકા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા મંત્રીના ગામના ખેડૂતો પર બળપ્રયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ખેડૂતોને ત્યાંથી હટાવી હાઇ-વે શરૂ કરાવ્યો હતો.
મોરબીના જેતપર ગામે વીજલાઈનના કામનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ આજે અણિયારી ટોલનાકે ચક્કાજામ કર્યો હતો. ખેડૂતોની અટકાયતથી રોષે ભરાયેલા ખેડૂતોએ આ વિરોધ નોંધાવ્યો હતો. કલાકો સુધી ચાલેલા ચક્કાજામને પોલીસે બળપ્રયોગ કરીને હટાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપર ગામે વીજલાઈનના કામ સામે છેલ્લા ચાર દિવસથી ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે. અગાઉ પણ ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરતા પોલીસે અનેક ખેડૂતોની અટકાયત કરી હતી, જે બાદ અન્ય ખેડૂતોએ ચક્કાજામ કરી ડિટેઈન કરાયેલા ખેડૂતોને મુક્ત કરાવ્યા હતા. આજે ફરી વીજલાઈનનું કામ શરૂ થતા ખેડૂતોએ વિરોધ કર્યો અને પોલીસે ફરી તેમની અટકાયત કરી.
પોલીસની આ કાર્યવાહીથી રોષે ભરાયેલા ખેડૂતો અણિયારી ટોલનાકે એકઠા થયા અને ચક્કાજામ શરૂ કર્યો. આ ચક્કાજામમાં અન્ય ગામના ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. શરૂઆતમાં પોલીસે ખેડૂતોને રોડની એક તરફ ખસેડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ખેડૂતો ફરી રોડ પર આવી ચક્કાજામનો પ્રયાસ કરવા લાગ્યા. આખરે પોલીસે બળપ્રયોગ કરીને તમામ ખેડૂતોને રોડ પરથી હટાવ્યા હતા.
ચક્કાજામ સમેટાયા બાદ ખેડૂતો જેતપર પરત ફર્યા હતા. અહીં પોલીસે ડિટેઈન કરાયેલા ખેડૂતોને મુક્ત કર્યા હતા, જે બાદ તમામ ગ્રામજનોએ તેમનું હારતોરા કરી સન્માન કર્યું હતું. ખેડૂતોએ જાહેરાત કરી છે કે તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખશે.
અત્યાચાર 54 લાખ ખેડૂતોના આત્મસન્માન પર એક ઘા: ઈસુદાન ગઢવી
જેતપુરમાં ખેડૂતો પર થયેલા અત્યાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, મોરબીમાં ખેડૂતો પર જે રીતના અત્યાચાર કરવામાં આવ્યો છે તે જોઈ શકાય એમ નથી. ખેડૂતો ભોળા છે, તેઓ જાતિ જ્ઞાતિના આધારે ભાજપને ખોબલેને ખોબલે મત આપી દે છે એનો મતલબ એ નથી કે તમે ખેડૂતો પર અત્યાચાર કરો. પ્રાઇવેટ કંપનીઓ પોતે રૂપિયા કમાશે પરંતુ ખેડૂતોને વળતર ચૂકવવામાં તેમના પેટમાં દુખે છે. શું કંપનીઓ ફ્રી વીજળી આપશે?ખેડૂતોને પૂછ્યા વગર જમીનમાં ઘૂસીને મન ફાવે એમ થાંભલા નાખવામાં આવે છે અને કલેક્ટર મંત્રી અને મુખ્યમંત્રી પરમિશન આપી દે છે અને ભાજપના નેતાઓના મોઢા સિવાય ગયા છે. કંપનીઓ પોલીસને ભાડે લઈ આવે છે. લાઠીચાર્જનો વિડીયો જોઈને જ ગુજરાતના 54 લાખ ખેડૂતોનું લોહી ઉકળી ગયું છે. સરકારમાં બેઠેલા મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદોને મારી વિનંતી છે કે ભગવાને તમને સત્તામાં બેસવાનો મોકો આપ્યો છે તો ખેડૂતોનું લોહીના ચુશો, અને કંપનીઓ સાથે બેસો અને એ લોકોના નફામાંથી ખેડૂતોને શું મળે એ દિશામાં વિચારો. પહેલા ખેડૂતોને યોગ્ય વળતર આપો પછી એમના ખેતરમાં પ્રવેશ કરો.


