મધ્યાહન ભોજનમાં ગ્રાન્ટના અભાવે કઠોળનો જથ્થો અટકયો
છેલ્લા બે મહિનાથી ગ્રાન્ટ પણ નહી મળતા દાળ અને કઠોળ નહી મળતા બાળકોના પોષણ ક્ષમ આહાર પર અસર
ગ્રાન્ટ અને દાળનો પૂરવઠો શરૂ નહી થાય તો ભોજન અને નાસ્તાની સેવા બંધ કરવાની સંચાલકોની ચીમકી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યની સરકારી શાળાઓમાં અપાતા મધ્યાહન ભોજન યોજનામાં છેલ્લા બે મહિનાથી કઠોળ-દાળનો જથ્થો મળવાનો બંધ થતા વિદ્યાર્થીઓની થાળી ફિક્કી પડી છે. સરકાર દ્વારા મધ્યાહન ભોજનના સંચાલકને જે ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે તે પણ ન ચૂકવાતા વિદ્યાર્થીઓને ભોજન પૂરું પાડવું મુશ્કેલ બન્યુ છે. PM પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખે કહ્યું હતું કે, સરકાર તાત્કાલીક બાકીની ગ્રાન્ટ અને કઠોળ-દાળનો પુરવઠો શરૂ નહીં કરે તો યોજનાના સંચાલકોએ ભોજન અને નાસ્તાની સેવા બંધ કરવાની ફરજ પડશે. બે મહિનાથી સર્જાયેલી આ સ્થિતિ વચ્ચે પુરવઠા વિભાગ અને શિક્ષણ વિભાગે આ મામલે જવાબદારીની ફેંકાફેંકી કરી હતી.
પડધરી મધ્યાહન ભોજન સંચાલક યુનિયનના પ્રમુખ મનીષ સોલંકીએ જણાવ્યું હતુ કે, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારા ગામમાં મધ્યાહન ભોજન કેન્દ્ર છે. તેનો હું સંચાલક છું. ગુજરાત રાજ્યમાં અંદાજે 33,000 જેટલા મધ્યાહન ભોજન કેન્દ્રો ચાલુ છે પરંતુ આ વખતે માલનો જથ્થો અને ગ્રાન્ટમાં જે ઇસ્યુ ઊભો થયો છે તેમાં સરકારે ધ્યાન આપવાની જરૂર છે. કઠોળ, તેલ અને વિદ્યાર્થી દીઠ મળતી ગ્રાન્ટ મળી નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો પરિપત્ર છે કે પેશગી (મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલકોને વિદ્યાર્થી દીઠ આપવામાં આવતી ગ્રાન્ટ) એડવાન્સમાં આપવી પરંતુ કેન્દ્ર સંચાલકોને કોઈ દિવસ એડવાન્સમાં પેશગી આપવામાં આવતી નથી. સરકાર દ્વારા નવું મેનુ આપવામાં આવ્યું છે પરંતુ તેની અમલવારી અમારે કરવી કઈ રીતે? વિદ્યાર્થી દીઠ રૂ.5 માં આ મેનુ અમને પોષાય તેમ નથી.
તેમણે જણાવ્યું કે સામાન્ય માણસ મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલક તરીકે કામ કરતો હોય છે. જે નાનો પગારદાર હોય છે પરંતુ સરકાર દ્વારા આપવામાં આવતો ખર્ચ કઈ રીતે પોસાય તેમ નથી. જેને લીધે સંચાલકોને તકલીફ છે જેથી સરકારે આમાં ધ્યાન આપવાની જરૂર છે. જેથી બાળકોને પૂરું પોષણ મળી રહે. અમારી રજૂઆત સરકાર સાંભળે તો સારું છે.
અમારા પૈસે કેન્દ્રનું સંચાલન : સંચાલક
છેલ્લા બે મહિનાથી એટલે કે એપ્રિલ અને મે માસની પેશગીની ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવી નથી. જોકે અમે અમારા ખર્ચે મધ્યાહન ભોજન કેન્દ્ર ચલાવીએ છીએ. મામલતદાર કચેરીમાં સ્થિત મધ્યાહન ભોજન શાખામાં પૂછવામાં આવે તો જવાબ મળે છે કે ઉપરથી ગ્રાન્ટ આવી નથી. આ કઈ રીતની યોજના સરકારે બહાર પાડી છે? તમે ખુદ વિચારો બે મહિના ખુદના પૈસા કાઢી કેવી રીતે આ કેન્દ્ર ચલાવી જીવન નિર્વાહ ચલાવી શકે. ? મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલકોને વિદ્યાર્થી દીઠ અલ્પાહારના રૂ.5 અને ભોજનના રૂ.5.88 આપવામાં આવે છે. જોકે આ રકમ પણ ખૂબ ઓછી છે. તેમ ન્યારા કેન્દ્રના સંચાલક મનીષ સોલંકીએ જણાવ્યું છે.
સેવાબંધ કરવાની સ્થિતિ : સંઘ
પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખ રાજેન્દ્રસિંહ બી. ચુડાસમાએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે જો તાત્કાલિક ધોરણે બાકી ગ્રાન્ટ ચૂકવવામાં નહીં આવે અને કઠોળ-દાળનો પુરવઠો શરૂ નહીં કરવામાં આવે તો યોજનાના સંચાલકોને ભોજન અને નાસ્તાની સેવા બંધ કરવાની ફરજ પડશે. સંઘના જણાવ્યા અનુસાર હાલમાં અનેક શાળાઓમાં તિથિ ભોજન અને દાતાઓના સહયોગથી બાળકોને ભોજન આપવામાં આવી રહ્યું છે. જોકે તુવેર દાળ અને ચણાની અછતને કારણે અંદાજે 38 લાખથી વધુ વિદ્યાર્થીઓને જરૂરી પ્રોટીનયુક્ત આહાર મળતો નથી. પરિણામે અનેક શાળાઓમાં ખાલી ભાત અથવા મર્યાદિત મેનૂ પર નિર્ભર રહેવાની સ્થિતિ સર્જાઈ છે.
ત્રણ મહિનાથી ખરીદી ટેન્ડર અધ્ધરતાલ
સંઘે આક્ષેપ કર્યો છે કે અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી કઠોળ ખરીદી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી. જેના કારણે શાળાઓમાં કઠોળનો જથ્થો ખૂટી ગયો છે અને બાળકોના પોષણ પર સીધી અસર પડી રહી છે. રાજ્યની આશરે 32 હજાર શાળાઓમાં આ યોજનાઓ અમલમાં છે, પરંતુ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં પૂરતું કઠોળ ઉપલબ્ધ હોવાનું અને અન્ય શાળાઓમાં અછત હોવાનું પણ સંઘે જણાવ્યું છે.


