કોરોના બાદ કામ કરવાની બદલાયેલી પેર્ટનની સીધી અસર
વર્ક ફ્રોમ હોમ! સામાજીક સંપર્ક ઘટવાથી એકલતા પણ વધ્યું
ઘરેથી કામ કરવાથી લાંબા ગાળે એકલતા, ચિંતા અને માનસિક તણાવ જેવી સમસ્યા : વર્ક ફ્રોમ હોવાથી બદલાઇ રહ્યા છે લોકોના જીવન
ઘરેથી કામ કરવાથી મુસાફરીનો સમય બચ્યો, લવચીકતા વધી અને લાઇફ બેલેન્સમાં મદદ મળી પરંતુ સ્વાસ્થય પર પડતી અસરે સવાલો ઉભા કર્યા
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
કોરોના મહામારી દરમિયાન શરૂ થયેલું વર્ક ફ્રોમ હોમ હવે લાંબા સમયની નોકરીની પદ્ધતિ બની ગયું છે. જોકે એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઘરેથી કામ કરવાથી સુવિધા વધે છે, પરંતુ લાંબા ગાળે એકલતા, ચિંતા અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ વધી શકે છે.
કોરોના કાળમાં વિશ્વભરની ઓફિસો બંધ થતાં લાખો કર્મચારીઓએ અચાનક ઘરેથી કામ શરૂ કર્યું હતું. શરૂઆતમાં આ એક અસ્થાયી વ્યવસ્થા માનવામાં આવી હતી, પરંતુ સમય જતા રિમોટ વર્ક એક લોકપ્રિય વર્ક કલ્ચર બની ગયું. ઘરેથી કામ કરવાથી મુસાફરીનો સમય બચ્યો, લવચીકતા વધી અને ઘણા કર્મચારીઓને વર્ક-લાઇફ બેલેન્સમાં મદદ મળી. પરંતુ હવે એક નવા અભ્યાસે તેના માનસિક સ્વાસ્થ્ય પર પડતી અસર અંગે સવાલો ઉભા કર્યા છે.
જર્નલ Scienceમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં રિમોટ વર્કના કારણે લોકોના દૈનિક જીવન, સામાજિક સંબંધો અને ભાવનાત્મક સ્વાસ્થ્યનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.ન્યૂયોર્ક ફેડરલ રિઝર્વ બેન્કના અર્થશાસ્ત્રી નતાલિયા ઇમેન્યુઅલના નેતૃત્વમાં થયેલા સંશોધનમાં અમેરિકાના પાંચ મોટા રાષ્ટ્રીય સર્વેના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું કે ઘરેથી કામ કરનારા લોકો ઓફિસમાં કામ કરતા લોકોની સરખામણીમાં લગભગ 58 ટકા વધુ સમય એકલા પસાર કરે છે. એટલું જ નહીં, આખો દિવસ કોઈ સાથે વાતચીત ન થવાની સંભાવના પણ 72 ટકા વધી ગઈ છે.
માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, માણસ સ્વભાવથી સામાજિક પ્રાણી છે. રોજિંદી નાની-નાની વાતચીત જેમ કે સહકર્મીઓ સાથે ચર્ચા, ચા સમયે વાતચીત અથવા પાડોશીઓ સાથે મળવું પણ માનસિક સંતુલન માટે મહત્વપૂર્ણ હોય છે. વર્ક ફ્રોમ હોમમાં આવી કુદરતી સામાજિક તકો ઓછી થઈ જાય છે, જેના કારણે કેટલાક લોકોમાં એકલતા અને ભાવનાત્મક તણાવ વધી શકે છે.
સામાજિક અંતર વધવાથી માનસિક મુશ્કેલીઓ વધી
અભ્યાસમાં ખાસ કરીને એકલા રહેતા લોકો પર વધુ અસર જોવા મળી હતી. આવા લોકોમાં આખો દિવસ કોઈ સાથે વાત ન થવાની શક્યતા વધારે જોવા મળી. સંશોધન મુજબ, એકલા રહેતા લોકોમાં સામાજિક અલગાવનું જોખમ 83 ટકા સુધી વધી શકે છે. સાથે જ માનસિક તણાવના લક્ષણો પણ અન્ય લોકોની સરખામણીમાં વધુ જોવા મળ્યા.
રિમોટ વર્ક સાથે સામાજિક જોડાણ જરૂરી
નિષ્ણાતોનું કહેવું છે કે આ અભ્યાસનો અર્થ એવો નથી કે ઘરેથી કામ કરવાની પદ્ધતિ ખોટી છે. પરંતુ કર્મચારીઓ અને કંપનીઓએ તેના માનસિક પાસાને પણ સમજવાની જરૂર છે. હાઇબ્રિડ વર્ક મોડલ, ટીમ મીટિંગ્સ, સામાજિક કાર્યક્રમો અને રૂબરૂ મુલાકાતો દ્વારા એકલતા ઘટાડવામાં મદદ મળી શકે છે. રિમોટ વર્ક કરનારા લોકોએ મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવો, કસરત, શોખ અને સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાવું જરૂરી છે. સુવિધા અને સામાજિક જોડાણ વચ્ચેનું સંતુલન જ ભવિષ્યના વર્ક કલ્ચર માટે મહત્વપૂર્ણ રહેશે.


