૧૨ જૂન વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ
રાજકોટ જિલ્લામાં એક વર્ષમાં ૫૦થી વધારે બાળમજૂરોને મુકત કરાવાયા
ઉદ્યોગીક વિસ્તાર, ઇમિટેશન, જવેલરી બજારમાં સૌથી વધારે બાળ શ્રમિકો
અગ્ર ગુજરાત, રાજકોટ
12 જૂનના વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ છે ત્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 36 સંસ્થાઓમાંથી 50 બાળમજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે. બાળ મજૂરી અટકાવવામાં ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેના 1098 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જે મારફત છેલ્લા ત્રણ વર્ષમાં 65 કોર્ટ કેસ અને 22 જેટલી FIR દાખલ કરવામાં આવેલી છે. બાળમજૂરી કરતા બાળકોને મુક્ત કરાવ્યા બાદ તેઓને સ્કૂલમાં ફરી અભ્યાસની સાથે પુનઃવસન કરાવવામાં આવે છે.
રાજકોટ જિલ્લા કલેકટર ડૉ.ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, 12 જૂનના વિશ્વ બાળ મજૂરી દિવસ ઉજવીએ છીએ. રાજકોટ જિલ્લામાં બાળમજૂરીને લઈને ઘણા બધા પ્રયત્નો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા હોય છે. છેલ્લા એક વર્ષમાં 36 સંસ્થાઓમાંથી 50 બાળ મજૂરોને મુકત કરાવવામાં આવ્યા છે. જેઓનું પુનઃવસનનું આયોજન કરાયું છે.
કલેક્ટરે જણાવ્યું હતું કે સોફ્ટ સ્કિલની ઇન્ડસ્ટ્રીઝ અને બિન જોખમી પ્રકારના વ્યવસાયો હોય છે જેમ કે જ્વેલરી, ઇમિટેશન, ફૂડ અને હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ બાળમજૂરો કામ કરતા હોય છે. જિલ્લા લેવલ પર ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે. છેલ્લા 3 વર્ષમાં 65 જેટલા કોર્ટ કેસ અને 22 જેટલી FIR દાખલ કરવામાં આવેલી છે. બાળ મજૂરોને શિક્ષણ વિભાગ મફત સરકારી સ્કૂલમાં એડમિશન અપાવવાની કામગીરી કરવામાં આવે છે.
બાળમજૂરો પકડાઈ છે તે અન્ય રાજ્યોના હોય તો ત્યાંના કલેક્ટર અને એજ્યુકેશન ઓફિસર સાથે વાતચીત કરી આ બાળકોનું ફરીથી સ્કૂલમાં એડમિશન થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. 12 જૂનના વિશ્વ બાળ મજૂરી દિવસ છે ત્યારે આ મહિનામાં ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવાનું આયોજન છે. વર્ષ 2025માં ચાઇલ્ડ લેબર અટકાવવા બદલ સર્વશ્રેષ્ઠ કામગીરી માટે રાજકોટ જિલ્લાને એવોર્ડ પણ મળેલો છે. તેથી તમામ લોકોને અપીલ છે કે, કોઈપણ જગ્યાએ બાળમજૂરી થતી હોય તો તે માટે 1098 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે જેના પર ફોન કર્યા બાદ ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ ત્યાં રેડ કરશે અને બાળમજૂરોને મુક્ત કરાવશે.


