સાયબર ઠગોના મની રૂટનો રાજકોટમાં પર્દાફાશ
શાપર-વિંછીયાના ચાર એકાઉન્ટધારકો પોલીસના જાળમાં
દેશના વિવિધ રાજ્યોમાં થયેલી ઓનલાઈન છેતરપિંડીના લાખો રૂપિયા સ્થાનિક બેંક ખાતાઓમાં ફેરવાતા હતા; કમિશનના લોભે ખાતાં ભાડે આપનારાઓ સામે ગુનો નોંધાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશભરમાં વધી રહેલા સાયબર ફ્રોડ સામે ચાલી રહેલા ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ હેઠળ રાજકોટ જિલ્લાના શાપર અને વિંછીયા વિસ્તારમાંથી મહત્વનો ખુલાસો થયો છે. વિવિધ રાજ્યોમાં થયેલી ઓનલાઈન છેતરપિંડીની રકમ સ્થાનિક બેંક ખાતાઓ મારફતે પસાર થતી હોવાનું બહાર આવતાં પોલીસે ચાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા મળેલી માહિતીના આધારે શાપર પોલીસ સ્ટેશને અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આઈડીબીઆઈ બેંકના એક ખાતાની શંકાસ્પદ લેવડદેવડ સામે આવતાં ખાતાધારક રાહુલ ભુપત રાઠોડ (રાજાવડલા-ભાડલા, જસદણ)ને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાહુલે કમિશન મેળવવાના હેતુથી પોતાનું બેંક ખાતું અન્ય વ્યક્તિઓના ઉપયોગ માટે આપ્યું હતું. ઓક્ટોબર-2025થી માર્ચ-2026 દરમિયાન તેના ખાતામાં કુલ રૂ.4.83 લાખથી વધુની લેવડદેવડ નોંધાઈ હતી, જેમાંથી રૂ.3.39 લાખ જેટલી રકમ વિવાદાસ્પદ હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન તેણે પોતાના મિત્રના કહેવાથી ફ્રોડની રકમ ખાતામાં સ્વીકારી બાદમાં ઉપાડી આપ્યાની અને બદલામાં રૂ.10 હજાર કમિશન મેળવ્યાની કબૂલાત કરી હતી. એનસીઆરપી પોર્ટલ પર તેના ખાતા સામે દેશના વિવિધ વિસ્તારોમાંથી કુલ 24 ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ બહાર આવ્યું હતું.
બીજી તરફ વિંછીયા પોલીસે બેંક ઓફ ઇન્ડિયાના એક ખાતાની તપાસ કરતાં તે કંધેવાળીયા ગામના જયરાજ કાનજી ઓળકીયાના નામે હોવાનું જાણવા મળ્યું હતું. આ ખાતા સામે પંજાબ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તેલંગાણા, કેરળ, કર્ણાટક સહિત અનેક રાજ્યોમાંથી કુલ 12 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું હતું.
આ જ અભિયાન દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અન્ય એક ખાતાની તપાસમાં તે વિંછીયાના તુષાર હિંમત વાલાણીના નામે હોવાનું જાણવા મળ્યું હતું. આ ખાતા સામે દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 10 ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ હતી અને તેમાં ફ્રોડની રકમ જમા થયાની વિગતો મળી હતી.
ચોથી કાર્યવાહી હેઠળ બેલડા ગામના જયેશ રમેશ સોલંકીના ખાતાની તપાસ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ ખાતા સામે સૌથી વધુ 30 જેટલી ફરિયાદો નોંધાઈ હતી. દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આસામ, ગોવા, હરિયાણા, કેરળ અને તમિલનાડુ સહિતના રાજ્યોમાંથી છેતરપિંડીની રકમ આ ખાતામાં ટ્રાન્સફર થયાના પુરાવા મળ્યા હતા.
પોલીસના પ્રાથમિક તારણ મુજબ આરોપીઓ સાયબર ઠગોના ‘મની મ્યુલ’ તરીકે કામ કરતા હતા. ફ્રોડની રકમ પોતાના ખાતામાં સ્વીકારી તેમાંમાંથી કમિશન કાપી બાકીની રકમ મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડવામાં આવતી હતી. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સાયબર ફ્રોડના મોટા નેટવર્ક સુધી પહોંચવા માટે પોલીસ વિવિધ કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે.


