RTOમાં ૦૦૦૧ નંબર ૧૦.૫૨ લાખમાં વેંચાયો, ૯૦૦૯ની પ.3૭ લાખમાં ખરીદાયો
QD સિરિઝમાં કચેરીને દોઢ કરોડથી વધુની આવક થતા તિજોરી છલકાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ આરટીઓ (RTO)એ જાહેર કરેલી નવી કાર સિરીઝના ઓનલાઈન ઓક્શનમાં નંબરના શોખીનોએ લાખો રૂપિયાની બોલી લગાવી હતી. કારમાં 0001 નંબર લેવા રૂ.10.52 લાખ અને 9009 નંબર લેવા રૂ.5.37 લાખની બોલી લગાવી. RTOને એક જ સિરીઝમાં દોઢ કરોડની આવક થઇ છે.
રાજકોટ આરટીઓ દ્વારા નવી કાર સિરીઝ GJ03QD ના ઓનલાઈન ઓક્શનનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ ઓક્શનમાં ભાગ લેવા માટે વાહન માલિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ડિજિટલ પ્લેટફોર્મ પર નંબરો મેળવવા માટે પડાપડી થઈ હતી. આ ઓક્શનમાં સફળતાપૂર્વક ભાગ લેનાર કુલ 995 વ્યક્તિ (અરજદાર) નોંધાયા છે, જેમણે પોતાના મનપસંદ વીઆઈપી (VIP) નંબરો માટે હોડ લગાવી હતી.
આ ઓનલાઈન ઓક્શનમાં સૌથી વધુ આકર્ષણ હંમેશની જેમ ‘0001’ નંબરનું રહ્યું હતું. એક અરજદારે 0001 નંબર લેવા માટે રૂ.10.52 લાખની અધધધ કહી શકાય તેવી બોલી લગાવીને આ નંબર પોતાના નામે કરી લીધો છે.
આ સિવાય, ફેન્સી નંબરોના ક્રેઝમાં 9009 નંબર માટે માટે રૂ.5.37 લાખની બોલી લગાવાઈ હતી. નવી કાર સિરીઝમાં લાગેલી લાખોની બોલીને કારણે RTOને એક જ સિરીઝમાંથી દોઢ કરોડથી વધુની બમ્પર આવક થઈ છે.
નંબર પૈસા
0001 – રૂ.1,052,000
9009 – રૂ.5,37,000
9999 – રૂ.3,73,000
0555 – રૂ.2,88,000
0111 – રૂ.2,55,000
1111 – રૂ.2,50,000
4444 – રૂ.2,22,000
0099 – રૂ.2,03,000
0005 – રૂ.1,82,000
0909 – રૂ.1,82,000


