જેતપુરના ચારણિયા ગામે ખેતરમાં રમતા માસૂમનું પાણીની કુંડીમાં ડૂબી જતાં મોત
શ્રમિક પરિવારમાં શોકનો માહોલ : રમતા-રમતા પડી ગઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
જેતપુરના ચારણિયા ગામની સીમમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં અઢી વર્ષના નિર્દોષ બાળકનું પાણીની કુંડીમાં પડી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ બનાવને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, જેતપુર તાલુકાના ચારણિયા ગામની સીમમાં આવેલ એક ખેતરમાં મજૂરી કામ કરતો પરિવાર રોજની જેમ પોતાના કામમાં વ્યસ્ત હતો. આ દરમિયાન પરિવારનો અઢી વર્ષનો માસૂમ બાળક સંદીપ કિલુંભાઈ સોલંકી ખેતર નજીક એકલો રમી રહ્યો હતો. રમતા-રમતા બાળક ક્યારે પાણી ભરેલી કુંડી પાસે પહોંચી ગયો તેની પરિવારજનોને જાણ પણ ન થઈ.
કુંડી પાસે રમતી વેળાએ બાળક અચાનક તેમાં ખાબક્યો હતો. થોડા સમય બાદ બાળક આસપાસ ન દેખાતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. શોધ દરમિયાન બાળક પાણીની કુંડીમાં પડેલો મળી આવતા પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. તાત્કાલિક બાળકને બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
પોતાના લાડકવાયા પુત્રના આ અકાળે થયેલા મોતથી માતા-પિતા સહિતના પરિવારજનો ભાંગી પડ્યા છે. હોસ્પિટલ ખાતે પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતાં જેતપુર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે અને આકસ્મિક મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
એક નિર્દોષ બાળકે રમતમાં જીવ ગુમાવતા ચારણિયા ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે. ખેત મજૂર પરિવારે પોતાનું સંતાન ગુમાવતા સમગ્ર વિસ્તારના લોકોએ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.


