મંત્રી કાંતિ અમૃતિયા પોતાના ગામના ખેડૂતોને જ મનાવવામાં રહ્યા નિષ્ફળ
આમરણાંત ઉપવાસની જાહેરાત, રાજકીય નેતાઓના પ્રવેશ પર મોરબીના જેતપર ગામમાં પ્રતિબંધ
અગ્ર ગુજરાત, મોરબી
રાજયના મંત્રી કાંતિભાઇ અમૃતિયા પોતાના જ ગામમાં ખેડૂતોને મનાવવામાં નિષ્ફળ ગયા છે. છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતોએ પણ સરકાર અને કંપનીઓ સામે લડી લેવાનો નિર્ધાર કરી લીધો છે અને આગામી દિવસોમાં આમરણાંત ઉપવાસ પર ઉતરશે અને તેમાં રાજકીય નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મોરબી જિલ્લાના જેતપર ગામેથી પસાર થઈ રહેલી હેવી વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોએ હવે સરકાર સામે આરપારની લડાઈ લડવાનું રણશિંગું ફૂંક્યું છે.છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી આ લડત અને જમીન સંપાદન તેમજ વળતર જેવા વણઉકેલાયેલા પ્રશ્નોને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.જેતપર ગામે યોજાયેલી ખેડૂતોની એક મહત્વપૂર્ણ મીટિંગમાં નવી અને ઉગ્ર લડત લડવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.જેના ભાગરૂપે ખેડૂતો હવે આમરણાંત ઉપવાસ પર ઉતરશે.
હાલના તબક્કે જેતપર ગામના અસરગ્રસ્ત ખેડૂતો પ્રતિક ઉપવાસ પર બેસીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.પરંતુ આ આંદોલનને વધુ વ્યાપક બનાવવા માટે આગામી ગુરૂવારે જેતપર ગામે એક વિશાળ સભાનું આયોજન કરાયું છે.જેમાં મોરબી જિલ્લાના હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહીને પોતાનું શક્તિપ્રદર્શન કરશે.ખેડૂતોએ સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમના પ્રશ્નોનું યોગ્ય અને સંતોષકારક નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ આમરણાંત ઉપવાસ ચાલુ રાખવામાં આવશે.
ખેડૂત અગ્રણીઓએ આ લડતને સંપૂર્ણપણે બિન-રાજકીય રાખવાનો નિર્ણય કર્યો છે.ખેડૂતોએ નમ્ર અપીલ કરી છે કે આ આમરણાંત ઉપવાસ આંદોલન દરમિયાન કોઈપણ પક્ષના રાજકીય આગેવાન કે નેતાએ સ્ટેજ પર કે આંદોલન સ્થળે પ્રવેશ કરવો નહીં. ખેડૂતો પોતાની જમીન અને હકની લડાઈ કોઈ પણ રાજકીય હસ્તક્ષેપ વગર લડવા મક્કમ બન્યા છે. મોરબી જિલ્લાના રાજકારણમાં અને વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.


