કૃષિમંત્રી ખેડૂતોને ન્યાય આપશે તો તેના પગ ધોઈને પાણી પીશ: કિર્તી પટેલ
ભાવનગર ખાતેના કાર્યાલયમાં આવી જીતુભાઈ વાઘાણીને ૧૫ દિવસનું અલ્ટીમેટમ: સોશિયલ મીડિયાના સ્ટાર્સ સાથે આંદોલનની ચિમકી
અગ્ર ગુજરાત,અમદાવાદ
ખેડૂતોના ખેતરમાંથી નીકળતી વીજલાઈન સહિતના પ્રશ્ને હાલ રાજ્યભરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. 15મી જૂને ટ્રેકટર રેલી અમદાવાદ પહોંચ્યા બાદ વિવાદ થયો હતો. ખેડૂતોના પ્રશ્ને હાલ ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે આક્ષેપબાજી ચાલી રહી છે. ત્યારે હવે ખેડૂતોના મુદ્દે કીર્તિ પટેલની એન્ટ્રી થઈ છે. કીર્તિ પટેલ કૃષિ મંત્રી જીતુ વાઘાણીના ભાવનગરમાં આવેલા કાર્યલાય પર પહોંચી 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. કીર્તિ પટેલે કહ્યું હતું કે, જો જીતુ વાઘાણી 15 દિવસમાં ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ લાવી દેશે તો તેના પગ ધોઈને હું પાણી પીઈશ.
કીર્તિ પટેલે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે,“અત્યાર સુધી અન્ય પક્ષો ખેડૂતોના મુદ્દા પર માત્ર રાજકારણ કરી પોતાના રોટલા શેકી રહ્યા હતા, જેના કારણે ખેડૂતો માત્ર માર ખાઈ રહ્યા હતા. હવે ગુજરાતના યુવાનો જાગી ગયા છે અને ખેડૂતોને તેમનો હક ન મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.” તેમણે પોતે ખેડૂતની દીકરી હોવાનું ગૌરવ લેતા કહ્યું કે, તેમને સોશિયલ મીડિયા પર અનેક ખેડૂતોના મેસેજ આવતા હતા, જેના પગલે તેમણે આ જવાબદારી ઉપાડી છે.
કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અંગે વાત કરતા કીર્તિ પટેલે જણાવ્યું હતું કે, “જીતુભાઈ પોતે એક ખેડૂત પુત્ર છે તેમને ખેડૂતોના પરસેવાની કિંમત અને મહેનતની ખબર જ હોય. અમને તેમના પર પૂરેપૂરો ભરોસો છે કે, તેઓ ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવશે.” જોકે, સાથે જ તેમણે ચેતવણી પણ આપી હતી કે, જો 15 દિવસની અંદર ખેડૂતોની માંગણીઓ અને યોગ્ય વળતર અંગે કોઈ સકારાત્મક નિર્ણય નહીં આવે, તો તેઓ સોશિયલ મીડિયાના સ્ટાર્સ અને ગુજરાતના તમામ યુવાનોને સાથે લઈને ફરી રજૂઆત કરશે.
આ સંદર્ભમાં તેમણે અને અન્ય યુવાનોએ જણાવ્યું હતું કે, “જો જરૂર પડશે તો અમે જીતુભાઈના પગ પકડીને પણ ખેડૂતોને ન્યાય અપાવવા માટે વિનંતી કરીશું.” અંતમાં કીર્તિ પટેલે અપીલ કરતા કહ્યું કે, “અમારે કોઈ જશ નથી જોઈતો, અમારે માત્ર ખેડૂતોનું ભલું જોઈએ છે. જો જીતુભાઈ ખેડૂતોને ન્યાય અપાવશે તો તેના પગ ધોઈને પાણી પીઈશ.”


