કોઠારીયામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
સનાતન પાર્કમાં રહેતા 28 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત; પરિવારજનો કારણ અંગે અજાણ
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરના કોઠારીયા વિસ્તારમાં વધુ એક આપઘાતની ઘટનાએ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કોઠારીયાની સનાતન પાર્ક સોસાયટીમાં રહેતા 28 વર્ષીય યુવાને ઝેરી દવા પી આત્મઘાતી પગલું ભરતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, સનાતન પાર્ક સોસાયટી-3માં રહેતા ભાર્ગવ હસમુખભાઈ ડોબરીયા નામના યુવાને પોતાના ઘરે કોઈ ઝેરી પદાર્થનું સેવન કર્યું હતું. ઘટના અંગે પરિવારજનોને જાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેની સ્થિતિ વધુ ગંભીર બનતાં અંતે તેનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ હોસ્પિટલ ચોકી મારફતે પોલીસને કરવામાં આવતા આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર ભાર્ગવ બે ભાઈઓમાં નાનો હતો અને હજુ સુધી અવિવાહિત હતો. તે લોખંડના કારખાનામાં નોકરી કરીને પરિવારને સહારો આપતો હતો, જ્યારે તેના પિતા કડિયાકામ કરી ગુજરાન ચલાવે છે. બુધવારે કારખાનામાં રજા હોવાથી તે ઘરે જ હતો.
દરમિયાન તેનો પિત્રાઈ ભાઈ કોઈ કામ માટે પાવડો લેવા ઘરે આવ્યો હતો. ભાર્ગવના રૂમમાં પ્રવેશ કરતાં તે બેભાન હાલતમાં જોવા મળ્યો હતો. રૂમમાં પડેલા ગ્લાસમાંથી દવાની ગંધ આવતાં ઝેરી પદાર્થ પીધાની શંકા જાગી હતી. ત્યારબાદ પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ ભાર્ગવને આવું પગલું ભરવું પડે તેવું કોઈ સ્પષ્ટ કારણ તેમની જાણમાં નથી. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે અને આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરી રહી છે.


