ગિરિરાજ હોસ્પિટલ દ્વારા આયોજન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
ક્ષ્આત્મીય યુનિવર્સિટીના સહયોગ અને ઈશા ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ 800થી વધુ નાગરિકો જોડાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
સમાજને “ઇલનેસ કેરથી વેલનેસ કેર” તરફ પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે ગિરિરાજ હોસ્પિટલ, રાજકોટ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આત્મીય યુનિવર્સિટીના સહયોગથી તેમના વિશાળ કેમ્પસ ખાતે યોજાયો હતો, જ્યારે ઈશા ફાઉન્ડેશનના પ્રશિક્ષિત યોગ શિક્ષકો દ્વારા યોગ અને પ્રાણાયામ સત્રનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાજકોટના આ વિશાળ યોગોત્સવમાં 800થી વધુ નાગરિકો, વિદ્યાર્થીઓ, તબીબો, આરોગ્ય કર્મચારીઓ, સામાજિક આગેવાનો અને યોગપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર વાતાવરણ યોગમય બની ગયું હતું અને ઉપસ્થિતોએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમ ગિરિરાજ હોસ્પિટલ, આત્મીય યુનિવર્સિટી, ઈશા ફાઉન્ડેશન, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) રાજકોટ, રોટરી ક્લબ અને માય FM, OUR Rajkot ના સંયુક્ત સહયોગથી યોજાયો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે આત્મીય યુનિવર્સિટી દ્વારા સ્થળ અને વ્યવસ્થાપન માટે નોંધપાત્ર સહયોગ આપવામાં આવ્યો હતો, જ્યારે ઈશા ફાઉન્ડેશન દ્વારા ગુણવત્તાસભર યોગ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ યોગના મહત્ત્વને જીવનમાં આત્મસાત્ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


